GIFT તિલાપિયા ઉછેર અને મૂલ્યવર્ધન દ્વારા આદિજાતિ મત્સ્ય ખેડૂતો માટે નવી તકો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 17 સપ્ટેમ્બર. સેન્ટર ઓફ એક્સલેન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા ઉકાઈ તાલુકાના સાતકાશી ગામ ખાતે આદિજાતિ હિતધારકો માટે “GIFT તિલાપિયા ઉછેર, મૂલ્યવર્ધન અને બજારની સંભાવનાઓ” વિષય પર એક દિવસીય જાગૃતિ કાર્યક્રમ તથા પ્રાયોગિક તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્રેના કેન્દ્રના વિષય નિષ્ણાતો ડૉ. ભરત કંડોરિયાં (સશોધન સહાયક) અને શ્રી સાગર કંડોરિયાં દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
મત્સ્ય ક્ષેત્રમાં પ્રજાતિ વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા તથા આદિજાતિ મત્સ્ય ખેડૂતોને વૈજ્ઞાનિક અને બજારલક્ષી મત્સ્યપાલન સાથે જોડવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન GIFT તિલાપિયાના ઉછેર અંગે માહિતી આપતાં જણાવાયું હતું કે, તળાવ આધારિત ઉછેર પદ્ધતિમાં તૈયાર સંતુલિત ખોરાકના ઉપયોગથી પાંચ મહિનામાં સરેરાશ 450થી 500 ગ્રામ જેટલું વજન પ્રાપ્ત થઈ શકે છે. આથી તિલાપિયા ઉછેરમાં યોગ્ય વ્યવસ્થાપન, ગુણવત્તાયુક્ત ખોરાક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના મહત્વ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મત્સ્ય ખેડૂતો, વૈજ્ઞાનિકો, સ્વસહાય જૂથોના સભ્યો, ઉદ્યોગસાહસિકો તથા એક્વાકલ્ચર ક્ષેત્ર સાથે સંકળાયેલા કુલ 25 સહભાગીઓએ ભાગ લીધો હતો. સહભાગીઓ સાથે GIFT તિલાપિયાના ઉછેરની પદ્ધતિઓ, ઉત્પાદન ખર્ચ, મૂલ્યવર્ધન, ઉત્પાદનના વિવિધ સ્વરૂપો તથા બજારની સંભાવનાઓ અંગે ચર્ચા અને જ્ઞાનનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
તાલીમના પ્રાયોગિક સત્ર દરમિયાન કાંટા રહિત (De-boned) GIFT તિલાપિયા તથા Ready-to-Eat મૂલ્યવર્ધિત મત્સ્ય ઉત્પાદનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. માછલીના માત્ર ઉત્પાદન પૂરતું મર્યાદિત ન રહી, તેના મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરીને બજાર સુધી પહોંચાડવાથી આવકના નવા સ્ત્રોતો અને સ્થાનિક ઉદ્યોગસાહસિકતાની તકો ઊભી થઈ શકે છે તે અંગે સહભાગીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા ખેડૂત–વૈજ્ઞાનિક–ઉદ્યોગસાહસિક વચ્ચેના જોડાણને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આદિજાતિ વિસ્તારોમાં પ્રજાતિ વૈવિધ્યકરણ, મૂલ્યવર્ધન, રોજગાર સર્જન અને બજારલક્ષી ટકાઉ એક્વાકલ્ચરને પ્રોત્સાહન આપવા માટે GIFT તિલાપિયા ઉછેરની સંભાવનાઓ અંગે જાગૃતિ ઊભી કરવામાં આવી હતી.
સેન્ટર ઓફ એક્સલેન્સ ઇન એક્વાકલ્ચર દ્વારા આ પ્રકારના તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો મારફતે આદિજાતિ મત્સ્ય ખેડૂતો તથા યુવાનોને આધુનિક એક્વાકલ્ચર ટેકનોલોજી, મૂલ્યવર્ધન અને ઉદ્યોગસાહસિકતા સાથે જોડવાના પ્રયાસોને આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
