‘માય ભારત – તાપી’ દ્વારા જિલ્લા કક્ષાનો ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯. ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના ‘માય ભારત’ (MY Bharat) વિભાગ દ્વારા તાજેતરમાં સરકારી નર્સિંગ કોલેજ, ઈન્દુ ખાતે ‘વિકસિત ભારત માટે નશામુક્ત યુવા’ વિષય પર એક જિલ્લા-સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના યુવાનોમાં વ્યસનમુક્તિ પ્રત્યે જાગરૂકતા લાવવાનો અને ‘વિકસિત ભારત’ના નિર્માણમાં તેમનું યોગદાન મેળવવાનો હતો.
આ જિલ્લા-સ્તરીય સ્પર્ધામાં વક્તૃત્વ, સ્લેમ પોએટ્રી (કાવ્ય પઠન), ચિત્રકલા, લોકગીત, શોર્ટ રીલ નિર્માણ અને સૂત્ર લેખન, લોકનૃત્ય અને નુક્કડ નાટક જેવી કુલ ૮ વિવિધ વિષયગત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવેલ વિજેતાઓમાં વકૃત્વ સ્પર્ધામાં ત્રિવેદી શિવાની, સ્લેમ પોએટ્રીમાં ગામીત રોશન, ચિત્રકલામાં વળવી યશ, લોકગીતમાં સરકારી વિજ્ઞાનપ્રવાહ કોલેજ-વાલોડ, શોર્ટ રીલ સ્પર્ધામાં ચૌધરી નિલેશ્વરી, સૂત્ર લેખન સ્પર્ધામાં ગામીત રોશન તથા ‘લોકનૃત્ય’ અને ‘નુક્કડ નાટક’ બંને સ્પર્ધાઓમાં માઁ શિવદૂતી સાયન્સ એન્ડ આર્ટસ સ્કૂલના વિધાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
કાર્યક્રમના સમાપન પ્રસંગે વિજેતા તેમજ ભાગ લેનાર તમામ ઉત્સાહી વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ જિલ્લા કક્ષાના તમામ વિજેતાઓ હવે આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાજપૂત વરુણ અને ગામીત વંદના દ્વારા, તાપી જિલ્લા યુવા અધિકારીશ્રી અભિષેક ગાયકવાડના કુશળ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
