પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધ અને ઘરેલુ ત્રાસથી પરેશાન પરિણીતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી

0
Womans help line abhayam by govt.

181 helpline

Contact News Publisher

બારડોલી તાલુકાના ગામમાં 181 અભયમ બારડોલી ટીમે સ્થળ પર પહોંચી પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરી સમજાવટ કરી; પતિએ પોતાની ભૂલ સ્વીકારી પરિવારનું ધ્યાન રાખવા અને અન્ય સ્ત્રી સાથે સંપર્ક નહીં રાખવાની લેખિત બાંહેધરી આપી

 

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : તા. ૦૯.. બારડોલી તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાએ પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધ, અવારનવાર થતા ઝઘડા તથા ઘરેલુ ત્રાસથી પરેશાન થઈ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે કોલ કર્યો હતો.

 

પીડિત બહેને 181 અભયમને જણાવ્યા મુજબ તેમના લગ્નને 22 વર્ષ થયા છે અને તેમને ત્રણ સંતાનો છે. તેઓ મજૂરી કામ કરી પરિવારને સહયોગ આપે છે. પીડિતાના જણાવ્યા મુજબ તેમના પતિને અન્ય એક મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પતિ કેફી દ્રવ્યોનું સેવન કરી ગાળો બોલતા, ઝઘડો કરતા તેમજ ક્યારેક હાથ ઉપાડતા હોવાનું પણ પીડિતાએ જણાવ્યું હતું. પતિ ઘર ખર્ચ માટે પૂરતા પૈસા આપતા ન હોવાનું પણ જણાવ્યું હતું.

 

ફરિયાદ મળતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન બારડોલી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે પીડિત બહેન અને તેમના પતિ સાથે અલગ-અલગ વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિ જાણી હતી. ત્યારબાદ બંનેને સાથે બેસાડી શાંતિપૂર્ણ વાતાવરણમાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

 

કાઉન્સેલિંગ દરમિયાન પતિને સમજાવવામાં આવ્યું કે પતિ-પત્ની વચ્ચે સતત થતા ઝઘડા, ગાળો, મારપીટ, કેફી દ્રવ્યોનું સેવન અને પરિવાર પ્રત્યે બેદરકારીથી પત્ની તેમજ બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે. પતિને પત્ની સાથે સન્માનપૂર્વક વર્તન કરવા, કોઈપણ પ્રકારની મારપીટ કે ગાળો ન આપવા, કેફી દ્રવ્યોના સેવનથી દૂર રહેવા તથા પરિવારની જવાબદારી નિભાવવા સમજાવવામાં આવ્યા હતા.

 

સાથે જ પતિને અન્ય સ્ત્રી સાથેના સંબંધને કારણે પરિવારજીવનમાં ઊભા થતા વિવાદો અંગે સમજ આપી પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

181 અભયમ ટીમ દ્વારા પીડિત બહેનને તેમના કાયદાકીય અધિકારો અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી. ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ, 2005 હેઠળ મહિલાને પરિસ્થિતિ મુજબ રક્ષણ, રહેઠાણ, આર્થિક સહાય, સંતાનની કસ્ટડી અને વળતર જેવી કાયદાકીય રાહતો મળી શકે છે તે અંગે સમજ આપવામાં આવી હતી.

 

તેમજ ઘરેલુ ત્રાસની હકીકતો અને ગંભીરતાના આધારે લાગુ પડી શકે તેવી કાયદાકીય જોગવાઈઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 85 અને 86 હેઠળ પતિ અથવા પતિના સગા દ્વારા મહિલાને ક્રૂરતા પહોંચાડવા સંબંધિત જોગવાઈઓ અંગે સમજ આપવામાં આવી હતી.

 

181 અભયમ ટીમ દ્વારા મહિલાને જરૂરિયાત મુજબ પોલીસ, પ્રોટેક્શન ઓફિસર, કાનૂની સહાય તથા અન્ય ઉપલબ્ધ સહાય સેવાઓ મેળવી શકવાની માહિતી પણ આપવામાં આવી હતી.

 

181 અભયમ ટીમની સમજાવટ અને અસરકારક કાઉન્સેલિંગ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી. પતિએ પત્ની સાથે સન્માનપૂર્વક વર્તન કરવાની, પરિવારનું ધ્યાન રાખવાની, કેફી દ્રવ્યોના સેવનથી દૂર રહેવાની તથા અન્ય સ્ત્રી સાથે સંપર્ક નહીં રાખવાની લેખિત બાંહેધરી આપી હતી.

 

બંને પક્ષની સંમતિથી સ્થળ પર જ કાઉન્સેલિંગ દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું. પીડિત બહેનને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય તો 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ મેળવી શકાશે તે અંગે પણ જાણ કરવામાં આવી હતી.

 

આ રીતે 181 અભયમ મહિલા હેલ્પલાઇન બારડોલી ટીમની સમયસરની કામગીરી, અસરકારક કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શનથી પરિવાર વચ્ચેનો વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવ્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *