181 અભયમ ટીમે બચાવ્યો પારપ્રાંતીય મહિલાનો તૂટતો પરિવાર

અનૈતિક સંબંધોના કારણે સર્જાયેલા પારિવારિક વિવાદમાં સમયસર હસ્તક્ષેપ કરી પતિ-પત્ની વચ્ચે કરાવ્યું સમાધાન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં રોજગારી માટે ઉત્તર પ્રદેશમાંથી આવેલા એક દંપતીના જીવનમાં પતિના અનૈતિક સંબંધોના કારણે ગંભીર પારિવારિક વિવાદ સર્જાયો હતો. પીડિત મહિલાના જણાવ્યા મુજબ તેમના પતિ કડિયાકામની મજૂરી કરતા હતા. શરૂઆતમાં પરિવાર સારી રીતે ચાલતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિએ પત્ની અને બાળકો પ્રત્યેની જવાબદારીઓથી મોઢું ફેરવી લીધું હતું. તેઓ ઘરખર્ચ માટે પૈસા મોકલતા ન હતા અને અન્ય એક મહિલા સાથે સંબંધમાં હોવાથી પત્ની તથા બાળકોની અવગણના કરતા હતા.
પતિ વ્યારા ખાતે રહેતા હોવાનું જાણવા મળતાં પીડિતા પોતાના બાળક સાથે ઉત્તર પ્રદેશથી વ્યારા આવી હતી, જેથી પરિવાર ફરી એક થઈ શકે. પરંતુ અહીં પહોંચ્યા બાદ તેમને જાણ થઈ કે તેમના પતિ બીજી મહિલા સાથે રહે છે. પતિ દ્વારા રોજ નશો કરીને ઝઘડા કરવામાં આવતા હતા. આખરે એક દિવસ ઉગ્ર બોલાચાલી દરમિયાન પતિએ પીડિતાનો મોબાઇલ ફોન તોડી નાખ્યો અને તેણીને બાળક સાથે ઘર બહાર કાઢી મૂકી પોતે ત્યાંથી ચાલ્યા ગયા.
નિરાધાર સ્થિતિમાં ઉભેલી પીડિતાએ અન્ય વ્યક્તિનો મોબાઇલ લઈને 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. માહિતી મળતાં જ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પીડિતાને હિંમત આપી સમગ્ર ઘટનાની વિગત જાણી કાઉન્સેલિંગ શરૂ કર્યું.
ટીમ દ્વારા પીડિતાના પતિને પત્ની અને સંતાનના ભરણપોષણની કાયદાકીય જવાબદારીઓ તેમજ પત્ની સાથે માનસિક અને શારીરિક દુર્વ્યવહારના પરિણામો અંગે સમજ આપવામાં આવી. સાથે જ, જે મહિલા સાથે પતિના સંબંધો હોવાનું સામે આવ્યું હતું તેમનું પણ કાઉન્સેલિંગ કરી સામાજિક અને કાયદાકીય બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
181 અભયમ ટીમના અસરકારક કાઉન્સેલિંગ, યોગ્ય સમજાવટ અને કાયદાકીય માર્ગદર્શનના પરિણામે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું. પતિએ પત્ની અને બાળકની જવાબદારી સ્વીકારી પરિવાર સાથે યોગ્ય રીતે રહેવાની ખાતરી આપી. આ રીતે 181 અભયમ મહિલા હેલ્પલાઇનના સમયસર હસ્તક્ષેપથી એક પારપ્રાંતીય મહિલાને ફરીથી સુરક્ષા, સહારો અને ન્યાયની આશા મળી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
