181 અભયમ મહિલા હેલ્પલાઇનના સમયસર હસ્તક્ષેપથી વૃદ્ધ મહિલાને પડોશીની હેરાનગતિમાંથી મળી રાહત

0
Womans help line abhayam by govt.

181 helpline

Contact News Publisher

તાપી અભયમ ટીમે સ્થળ પર પહોંચી સંવેદનશીલ કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને લેખિત સમજણ દ્વારા વર્ષોથી ચાલતો પડોશી વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલી વૃદ્ધ મહિલામાં સુરક્ષાની લાગણી જગાવી

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામમાં એક વૃદ્ધ મહિલા એકલા રહેતા હોવાથી લાંબા સમયથી પડોશીઓ દ્વારા માનસિક હેરાનગતિનો સામનો કરી રહ્યા હતા. વારંવાર અપશબ્દો બોલવા, ધમકી આપવી, નાની-નાની બાબતોમાં ઝઘડો કરવો તેમજ ભયનું વાતાવરણ ઊભું કરવાના કારણે મહિલા ભારે માનસિક તણાવમાં જીવન જીવી રહ્યા હતા. અંતે કોઈ સહારો ન દેખાતા તેમણે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો.

કોલ મળતાની સાથે જ તાપીની 181 અભયમ ટીમે વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચી મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. ટીમે પ્રથમ મહિલાને હૂંફ આપી, તેમની સમગ્ર વાત શાંતિપૂર્વક સાંભળી અને વિશ્વાસમાં લઈ માનસિક કાઉન્સેલિંગ કર્યું, જેથી તેઓ નિર્ભય બની પોતાની સમસ્યા ખુલ્લેઆમ રજૂ કરી શક્યા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પડોશીના વૃક્ષમાંથી પડતો કચરો મહિલાના ઘર આગળ ભેગો થતો હતો. આ બાબતે વારંવાર સફાઈ રાખવા કહેતા પડોશીઓ ઉશ્કેરાઈ જતા હતા. વધુમાં મહિલાએ પોતાના ઘર પાસે વાવેલા શાકભાજીને પડોશીના પશુઓ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ અંગે રજૂઆત કરતાં પડોશી પુરુષે ગુસ્સે થઈ અપશબ્દો બોલ્યા, ધમકી આપી અને હાથ ઉગામવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે મહિલા ભયભીત થઈ ગયા હતા.

181 અભયમ ટીમે માત્ર ફરિયાદ સાંભળીને કાર્યવાહી કરવાના બદલે ઘટનાના મૂળ કારણ સુધી પહોંચી બંને પક્ષોને સામસામે બેસાડી વિસ્તૃત કાઉન્સેલિંગ કર્યું. પડોશી દંપતીને સમજાવવામાં આવ્યું કે વૃદ્ધ વ્યક્તિ સાથે અપમાનજનક વર્તન કરવું, ધમકી આપવી, માનસિક ત્રાસ આપવો કે હાથ ઉગામવાનો પ્રયાસ કરવો કાયદાકીય રીતે ગંભીર બાબત છે અને આવી હરકતો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

ટીમે બંને પક્ષો વચ્ચે સંવાદ સ્થાપિત કરી ગેરસમજો દૂર કરી. પડોશી પુરુષ અને તેમની પત્નીને સારા પડોશી તરીકેની સામાજિક જવાબદારી સમજાવી, વૃદ્ધ મહિલાની ઉંમર અને પરિસ્થિતિ પ્રત્યે સંવેદનશીલ રહેવા સમજાવ્યું તેમજ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની હેરાનગતિ, અપશબ્દો કે ધમકી નહીં આપે તેવી બાંહેધરી અપાવી.

181 અભયમ ટીમના અસરકારક કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શનના પરિણામે પડોશી પુરુષે પોતાની ભૂલ સ્વીકારી, મહિલાની માફી માંગી અને આગળથી સન્માનપૂર્વક વર્તન રાખવાની ખાતરી આપી. ત્યારબાદ ટીમે સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન કરાવ્યું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *