તાપી : ભૂસ્ખલન બાદ બોરદા, સાતકાશ, શેરૂલા રાજ્ય ધોરી માર્ગના જલેબી ઘાટ વિસ્તારમાં ગણતરીના કલાકોમાં જ વાહનવ્યવહાર પુનઃ શરૂ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૪. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા બોરદા, સાતકાશી, શેરૂલા રાજ્ય ધોરી માર્ગ પરના જલેબી ઘાટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના સર્જાઈ હતી.
માર્ગ પર મોટી માત્રામાં માટી, પથ્થરો અને કાટમાળ ધસી આવતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગ, વ્યારા દ્વારા તાત્કાલિક રાહત અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગે સ્થળ પર JCB અને હિટાચી સહિતના ભારે મશીનો તહેનાત કરી યુદ્ધના ધોરણે રસ્તા પરથી કાટમાળ ખસેડવાની કામગીરી શરુ કરી હતી.
કામગીરી દરમિયાન મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જરૂરી તમામ સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ પર સતત દેખરેખ અને મોનિટરિંગ રાખવામાં આવ્યું હતું.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ઇજનેરો તેમજ ફિલ્ડ સ્ટાફના અવિરત પ્રયાસોના પરિણામે માત્ર ગણતરીના કલાકોમાં જ જલેબી ઘાટ વિસ્તારનો માર્ગ સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે પુનઃ ખુલ્લો મુકયો હતો.
આ કામગીરીને પગલે સ્થાનિક રહેવાસીઓ સહિત દક્ષિણ ગુજરાતને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત થઈ ગયો છે.
આ કામગીરી માર્ગ અને મકાન વિભાગની કાર્યક્ષમતા, ત્વરિત પ્રતિસાદ અને ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આગામી દિવસોમાં પણ ઘાટ વિસ્તારમાં સતત મોનિટરિંગ રાખીને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
