તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષસ્થાને “બાલિકા પંચાયત” સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

0
તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષસ્થાને "બાલિકા પંચાયત" સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
Contact News Publisher

ગ્રામ્ય કક્ષાએ દીકરીઓના સર્વાંગી વિકાસ અને નેતૃત્વ ગુણો ખીલવવા વોર્ડ દીઠ રચાશે બાલિકા પંચાયત

— 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૧૪. :- તાપી જિલ્લાના દરેક ગામના વોર્ડ દીઠ બાલિકા પંચાયતની સ્થાપના કરીને બાલિકાઓ તેમજ મહિલાઓના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવાના આશય સાથે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તથા આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા મંગળવારે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

 

આ સમિતિની રચનાનો મુખ્ય હેતુ દીકરીઓના જન્મ, પોષણ, આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ અને સુરક્ષા સુનિશ્ચિત કરી તેમનું સર્વાંગી સશક્તિકરણ કરવાનો છે. બાલિકા પંચાયત દ્વારા સમાજમાં દીકરા-દીકરી વચ્ચેના જાતિગત ભેદભાવો દૂર કરવા, દીકરીઓના જન્મદરમાં વધારો કરવા અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા કાયદાઓ વિશે જનજાગૃતિ ફેલાવી લભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવશે.

 

આ ઉપરાંત, લોકતાંત્રિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે ચૂંટણી પ્રક્રિયાની જેમ જ આ પંચાયત માટે ઉમેદવારોનું રજીસ્ટ્રેશન, મતદાર યાદી તૈયાર કરવી અને પ્રચાર-પ્રસાર જેવી પ્રક્રિયાઓ ગ્રામ પંચાયત કક્ષાએથી હાથ ધરીને નિર્ણય લેવામાં આવશે.

 

બાલિકાઓ દ્વારા જ બાલિકાઓ અને મહિલાઓના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ નિરાકરણ લાવવા માટેનું આ એક સક્ષમ મંચ બનશે. બાલિકા પંચાયતનો મૂળભૂત ઉદ્દેશ્ય ગ્રામ્ય સમુદાયમાં દીકરીઓ અને મહિલાઓ પ્રત્યે સમાજની માનસિકતામાં હકારાત્મક પરિવર્તન લાવવાનો છે.

 

આ પંચાયતમાં ૧૪ થી ૨૦ વર્ષની વયજૂથની બાલિકાઓનો સમાવેશ કરાશે, જેની રચના ગામના સરપંચ, ઉપસરપંચ અને અન્ય સભ્યો મળીને કરશે. ગ્રામ પંચાયત દ્વારા બાલિકા પંચાયતની કામગીરીની સમીક્ષા દર ૩ માસે સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને કરવાની રહેશે.

 

બાલિકા પંચાયતના સરપંચ અને સભ્યોની સહમતિથી પંચાયતની બેઠકોમાં ગામના સરપંચ, ઉપસરપંચ, આંગણવાડી કાર્યકર, શિક્ષક, આચાર્ય અને સમુદાયના અગ્રણી કાર્યકર્તાઓને પણ આમંત્રિત કરી શકાશે. બાલિકા પંચાયત કિશોરીઓના પ્રશ્નો તથા તેમની સમસ્યાઓ ઉકેલવાની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનશે, જેનાથી ગ્રામ્ય કક્ષાએ અને સમુદાયમાં સામાજિક પરિવર્તન આવશે તેમજ ભવિષ્યમાં દીકરીઓને નેતૃત્વ પૂરી પાડવાની અમૂલ્ય તક મળશે.

 

સ્થાનિક વહીવટી તંત્ર અને સરકાર સાથે સંકલન સાધીને બાલિકાઓના આત્મવિશ્વાસમાં વધારો કરાશે તેમજ લોકતાંત્રિક મૂલ્યોના આધારે પોતાના ગામ અને સમુદાયની વિવિધ સમસ્યાઓ પ્રત્યે તેમને સંવેદનશીલ બનાવાશે. આ પંચાયત અન્ય કિશોરીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી, તેમના પ્રશ્નોને ગ્રામસભા જેવા સત્તાવાર મંચ સુધી પહોંચાડીને તેના નિરાકરણ માટે સઘન કામગીરી હાથ ધરશે.

 

આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે “બાલિકા પંચાયતે” શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ તેમજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગો સાથે સીધા સંકલનમાં રહીને સક્રિય કામગીરી કરવાની રહેશે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *