વટસાવિત્રી વ્રત: ઓલપાડ પંથકમાં નારી શક્તિ, સમર્પણ અને પતિવ્રત્યનું ગૌરવ ફરી એકવાર તાદ્શ્ય થયુ
તસવીર: વિજય પટેલ, ઓલપાડ.

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૩૦. પતિનાં દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના સાથે પરણિત મહિલાઓ દ્વારા કરવામાં આવતા વટસાવિત્રી વ્રતની ઉજવણી તાલુકાનાં કાંઠા વિસ્તારનાં કરંજ, પારડીઝાંખરી, જીણોદ, મોર, મંદરોઈ, કમરોલી, અસનાડ, ભટગામ તથા અસનાડ ગામો સહિત ઓલપાડ નગરમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. ઓલપાડ પંથકનાં ઠેર ઠેર આવેલા ઘટાદાર વડનાં વૃક્ષોની આસપાસ ગૃહિણીઓની લાંબી લાઇનો જોવા મળી હતી. ગૃહિણીઓએ વડની પ્રદક્ષિણા કરીને વડને કાચો દોરો બાંધ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.
આ પ્રસંગે ભટગામ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા કલ્પના પટેલ તથા નિમિષા પટેલનાં જણાવ્યા અનુસાર સાવિત્રીએ પોતાની ભક્તિ અને દૃઢ નિશ્ચયથી પતિ સત્યવાનને યમરાજાનાં પાશમાંથી મુક્ત કરાવ્યા હતાં, ત્યારથી આ વ્રત પ્રચલિત થયું છે. ગામની ગૃહિણીઓએ સવારથી જ ઉપવાસ આરંભીને વડનાં વૃક્ષની પૂજા કરી હતી. આ પવિત્ર દિવસે પરંપરાગત વિધિ-વિધાન સાથે દરેક મહિલાએ પોતાનાં પતિનાં દીર્ઘાયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ વ્રત દ્વારા નારી શક્તિ, સમર્પણ અને પતિવ્રત્યનું ગૌરવ ફરી એકવાર જોવા મળ્યું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
