વરિષ્ઠ સનદી અધિકારીઓ તાપી જિલ્લાની શાળાઓમાં બાળકોની આંગળી પકડી કરાવશે શાળા પ્રવેશ

પ્રવેશોત્સવમાં માત્ર નવા વિદ્યાર્થીઓનું સ્વાગત જ નહીં, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓ, શિક્ષકો અને શાળાઓનું થશે બહુમાન
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 22 :- રાજ્યની શાળાઓમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૩થી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
સમગ્ર રાજ્યની સાથે તાપી જિલ્લામાં “પ્રગતિનો પ્રવેશોત્સવ”ની થીમ સાથે તા.૨૩ જૂનથી તા.૨૫ જૂન, ૨૦૨૬ દરમ્યાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન થનાર છે. ત્યારે તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં બાળકોને ઉત્સાહભેર પ્રવેશ કરાવવા માટે રાજ્ય કક્ષાના વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ રૂબરૂ મુલાકાત લેશે. જેમાં શિક્ષણ વિભાગના મુખ્ય સચિવશ્રી મિલિંદ તોરવણે, નાણાં વિભાગના સંયુક્ત સચિવશ્રી અરવિંદ વી., ગૃહ વિભાગના અગ્ર સચિવશ્રી શ્રીમતી નિપુણા એમ. તોરવણે, વન વિભાગના પી.સી.સી.એફ. ભવાની પ્રસાદ પતિ, મહેસૂલ વિભાગના નાયબ સચિવશ્રી મનોજકુમાર એન. જેઠવા, નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના અંડર સેક્રેટરી સુશ્રી મિત્તલ ડી. બારીયા સહભાગી થશે.
વધુમાં સામાન્ય વહીવટ વિભાગના અંડર સેક્રેટરી શ્રી હમિતકુમાર પી. યુરેનસ, શિક્ષણ વિભાગના અંડર સેક્રેટરી શ્રી કીર્તિકુમાર આઈ. સોલંકી, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અંડર સેક્રેટરી શ્રી બલદેવ ડી. નાયક, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અંડર સેક્રેટરી શ્રી આશુતોષ એલ. દેવડા, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અંડર સેક્રેટરી સુશ્રી કિનાલ ડી. ખરાડી, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા વિભાગના અંડર સેક્રેટરી શ્રી હેતલકુમાર પી. માવદિયા, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના નાયબ શિક્ષણ નિયામકશ્રી બી. ડી. બારીયા, તાપી જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી તેમજ તાપી જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા ઉપસ્થિત રહી બાળકોની આંગળી પકડી શાળા પ્રવેશ કરાવશે.
આ વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન માત્ર નવા વિદ્યાર્થીઓનું સ્વાગત જ નહીં, પરંતુ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓનું જાહેર મંચ પરથી બહુમાન કરાશે. જેમાં ૧૦૦ ટકા પરિણામ મેળવનાર શાળાઓ, શ્રેષ્ઠ શિક્ષકો, વિવિધ સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉદાર હાથે સહયોગ આપનારા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવશે. કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત “શિક્ષિત દીકરી, સશક્ત પરિવાર અને સમૃદ્ધ સમાજ” ના સંદેશ સાથે તાપી જિલ્લો શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે તે માટે તમામ જિલ્લાવાસીઓને આ પવિત્ર શિક્ષણયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
000
