ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર : ‘સનેડો’ કૃષિ સાધનની સહાયમાં ધરખમ વધારો કરાયો

0
Screenshot_20260519_181803_WhatsApp
Contact News Publisher

ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ ‘સનેડો’ કૃષિ સાધનની સહાયમાં ધરખમ વધારો કરાયો: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

********

કિસાન પરિવહન યોજના હેઠળ સનેડા માટે અપાતી રૂ. ૨૫,૦૦૦ની સહાય વધારીને હવે સામાન્ય ખેડૂતો માટે રૂ. ૬૦,૦૦૦ કરાઈ

********

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના, સીમાંત તેમજ મહિલા ખેડૂતો માટે સહાયની રકમ રૂ. ૭૫,૦૦૦ કરાઈ

********

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ ઉત્પાદનોના ઝડપી પરિવહન માટે એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ કિસાન પરિવહન યોજના હેઠળ ‘સનેડો’ તરીકે ઓળખાતા “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ બાર” કૃષિ સાધનની ખરીદી માટે ખેડૂતોને આપવામાં આવતી સહાયમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

 

આ સંદર્ભે કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાના અને મધ્યમ ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ મલ્ટીપર્પઝ કામો માટે “સનેડો” નામના ત્રિ-ચક્રી કૃષિ વાહનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતો અને વિવિધ સ્તરેથી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપીને રાજ્ય સરકારે સનેડાની ખરીદી માટે મળતી રૂ. ૨૫,૦૦૦ની સહાયમાં વધારો કર્યો છે.

 

હવે રાજ્યના સામાન્ય વર્ગના ખેડૂતોને સનેડાની ખરીદી માટે કુલ ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૬૦,૦૦૦ની સહાય મળશે. જ્યારે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય વર્ગના નાના અને સીમાંત ખેડૂતો તથા મહિલા ખેડૂતોને સનેડાની ખરીદી પર કુલ ખર્ચના ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૭૫,૦૦૦ની સહાય મળશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

 

અત્રે નોંધનીય છે કે, ખેડૂતો આ સહાય સાત વર્ષમાં માત્ર એકવાર મેળવી શકશે. ખરીદેલું સાધન ભારત સરકારની સંસ્થા દ્વારા ટેસ્ટેડ અને i-Khedut પોર્ટલ પર નોંધાયેલું હોવું ફરજિયાત છે. આ વાહનનો ઉપયોગ માત્ર કૃષિ પેદાશોના પરિવહન માટે જ કરવાનો રહેશે. વાહન ખરીદ્યા બાદ આગામી ૨ વર્ષ સુધી તેનું વેચાણ કરી શકાશે નહીં, તેમજ તેમાં પેસેન્જર પરિવહન માટે કોઈ ફેરફાર કરી શકાશે નહીં.

 

આ નિર્ણય બદલ રાજ્યના ખેડૂતો તથા ખેડૂત સંગઠનો દ્વારા રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

 

રાજ્ય સરકારના આ સરાહનીય નિર્ણયથી કૃષિ ઉત્પાદનોને બજાર સુધી સમયસર પહોંચાડવામાં સરળતા રહેશે, પરિવહન પાછળ થતો ખર્ચ ઘટશે અને અંતરિયાળ વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે વધુ સક્ષમ બનશે.

********

નિતિન રથવી

○○○○

 

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other