વ્યારાના પોલીસ ઈન્સ્પેકટરની વકીલ સાથે ગેરવર્તણૂક : વ્યારા બાર એસોસિએશને એસ.પી.ને રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી !!
“વધારે બોલીશ તો બે-ચાર ગુના લગાડી દઈશ”: વ્યારા પી.આઈ. એ વકીલોને ધમકાવતા કાયદાકીય આલમમાં ભારે રોષ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા ખાતે પોલીસ અને વકીલો સામસામે આવી જતાં કાયદાકીય આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.
વ્યારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (પી.આઈ.શ્રી) બી. જી. રાવલ દ્વારા ન્યાયના રક્ષક એવા એડવોકેટો સાથે અત્યંત અપમાનજનક, અભદ્ર વર્તન કરવા તેમજ ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વ્યારા બાર એસોસિએશનમાં પડ્યા છે, જેના વિરોધમાં વકીલ મંડળ દ્વારા એક તાકીદની મીટિંગ બોલાવીને પી.આઈ. સામે સખત શબ્દોમાં નિંદા કરતો અને કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરતો એકમતથી ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર વિવાદની વિગત એવી છે કે, વ્યારા બાર એસોસિએશનના ટ્રેઝરર અને એડવોકેટ ઉર્વિશ આર. પ્રજાપતિના ઘર અને જમીન બાબતે લેન્ડ ગ્રેબિંગની એક ફરિયાદ મામલતદાર કચેરી અને કલેક્ટર સમક્ષ પેન્ડિંગ છે. આ જમીનની માપણી અંગે એડવોકેટ ઉર્વિશ પ્રજાપતિએ કલેક્ટર સમક્ષ વાંધા અરજી પણ આપેલી હતી. આમ છતાં, સામા પક્ષના આરીફ મેહબુબ શાહ, સંજય શાહ અને ઉવેશ મુલતાની નામના ઇસમોએ વહીવટી તંત્ર કે વકીલ પરિવારને કોઈ પૂર્વ નોટિસ આપ્યા વિના જ સીધી માપણી કરાવવા માટે ‘૧૧૨’ નંબર પર ફોન કરીને પોલીસ સ્ટાફને સ્થળ પર બોલાવી લીધો હતો. આ મામલે કાયદેસરની પ્રક્રિયાની માંગ કરવા માટે એડવોકેટ ઉર્વિશ પ્રજાપતિ તથા તેમના સાથી મહિલા વકીલ હેમલતાબેન જે. કોકણી વ્યારા પોલીસ સ્ટેશને પી.આઈ. બી. જી. રાવલ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
પોલીસ સ્ટેશનના ચેમ્બરમાં રજૂઆત દરમિયાન પી.આઈ.એ કાયદાના રક્ષક હોવાની પોતાની ગરિમા નેવે મૂકી દીધી હતી. તેમણે અરજદાર વકીલ પક્ષના કોઈ પણ કાયદાકીય દસ્તાવેજો જોયા વિના કે તેમની વાત સાંભળ્યા વિના જ એકતરફી વલણ અપનાવ્યું હતું. પી.આઈ. રાવલે વકીલો પ્રત્યે અત્યંત ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરતા જાહેરમાં આક્રોશ સાથે જણાવ્યું હતું કે, “તારે મને સમજાવવાની જરૂર નથી, તારા જેવા લાખો વકીલો અહીં આવે છે. તું હજી અડધો વકીલ છે. વધારે બોલીશ તો બે-ચાર ગુના તારી ઉપર લગાડી દઈશ. તું કોની સામે થાય છે તેની તને ખબર છે? સંજયભાઈ કોણ છે તેની તને ખબર છે?” આટલેથી જ ન અટકતા પી.આઈ.એ સત્તાના નશામાં એડવોકેટ ઉર્વિશ પ્રજાપતિને જાતિવાચક અને અપમાનજનક શબ્દો કહીને ધમકાવ્યા હતા કે, “ભલે તમે લેન્ડ ગ્રેબિંગના વકીલ હોય, મારે તમારું કામ નથી. તારા બાપ ઉપર જે કેસ થયેલ છે, એને બોલાવ.” આ પ્રકારના અત્યંત અપશબ્દો બોલી, વકીલ આલમનું ઘોર અપમાન કરીને વકીલોને પોતાની ચેમ્બરમાંથી બહાર કાઢી મૂક્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ વ્યારા બાર એસોસિએશનના પ્રમુખ મુકેશ જી. ચૌધરી અને સેક્રેટરી અતુલ એ. ગામિતની આગેવાની હેઠળ વકીલ મંડળની તાકીદની બેઠક મળી હતી. વકીલ મંડળે વહીવટી વલણની સખત શબ્દોમાં આલોચના કરતા જણાવ્યું કે, પી.આઈ. બી. જી. રાવલે વકીલ આલમની માન-મર્યાદા અને સન્માન જાળવ્યું નથી. સિવિલ મેટરમાં પોલીસને હસ્તક્ષેપ કરવાનો કોઈ કાનૂની અધિકાર ન હોવા છતાં, તેમણે એકતરફી પક્ષ લઈ કાયદો હાથમાં લીધો છે અને વકીલોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગુનાહિત કૃત્ય આચર્યું છે. વ્યારા બાર એસોસિએશને આ ગેરવર્તણૂક બદલ પી.આઈ. સામે સખત કાયદાકીય પગલાં ભરવા માટેનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે અને વકીલો પર થતા આવા અન્યાય સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઘટનાને પગલે સમગ્ર તાપી જિલ્લાના કાનૂની અને પોલીસ વિભાગમાં ભારે ગરમાવો આવી ગયો છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
