ડાંગના ખેડૂતશ્રી યશવંતભાઈ બાગુલનું ‘જંગલ મોડેલ ફાર્મ’ : પ્રાકૃતિક કૃષિથી આત્મનિર્ભરતાની નવી કેડી
ડાંગ જિલ્લાનું સંભવિત પ્રથમ ‘જંગલ મોડેલ ફાર્મ’ જે કૃષિ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ માટે બન્યું અભ્યાસનું કેન્દ્ર; –
૩ હેક્ટર જમીનમાં ૨૫૦થી વધુ પાકોની મિશ્ર ખેતીનો સફળ પ્રયોગ – પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે મહત્તમ ઉત્પાદન સાથે બમણી આવક મળી રહી છેઃ ખેડૂત શ્રી યશવંતભાઈ બાગુલ –
(રાહુલ પરમાર દ્વારા, વધઈ) : રાજ્યના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર થયેલ ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહનના કારણે જિલ્લાના ખેડૂતો ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવી રહ્યાં છે. આ સાથે જ પરંપરાગત ખેતી સિવાય પણ ડાંગના ખેડૂતો બાગાયતી પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યાં છે. જેમાં તેઓ ફળ, શાકભાજી, ઔષધીય પાકોની ખેતી કરી રહ્યાં છે. આ પરિવર્તનનું જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ એટલે આહવા તાલુકાના ભાપખલ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી યશવંતભાઈ બાગુલ.

શ્રી યશવંતભાઈ બાગુલે ખેતીને લગતી વિવિધ શિબિરો માંથી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું, આત્મા પ્રોજેક્ટની શિબિરમાં પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી ત્યારબાદ વર્ષ ૨૦૧૯ માં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. તેઓને સરકાર તરફથી મળેલી ૩ હેક્ટર જેટલી પહાડી જંગલ જમીનને તેમણે પોતાની મહેનત અને પ્રાકૃતિક અભિગમથી એક મોડેલ ફાર્મમાં ફેરવી નાખી છે. શરૂઆતમાં માત્ર શોખ માટે ફળાઉ વૃક્ષો વાવનારા યશવંતભાઈએ આજે અહીં ૨૫૦થી વધુ પ્રકારના ફળ, ફૂલ, શાકભાજી અને ઔષધીય પાકો ઉછેર્યા છે. તેમનું આ ‘જંગલ મોડેલ ફાર્મ‘ આજે કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને રાજ્યભરના ખેડૂતો માટે મુલાકાત લેવા જેવું પ્રેરણાસ્ત્રોત બન્યું છે.
શરૂઆતમાં શ્રી યશવંતભાઇ બાગુલ પણ પરંપરાગત રાસાયણિક ખેતી કરતા હતા. પરંતુ ખેતીનો ખર્ચો, પોતાનું તેમજ જમીનનું આરોગ્ય જોઇ તેઓએ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરવાનું નક્કી કર્યું. આજે તેઓ તેઓ જીવામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા દેશી ગાય આધારિત કુદરતી ઇનપુટ્સનો ઉપયોગ કરીને ખેતી કરે છે. જેના પરિણામે જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું, જમીન પોચી અને ફળદ્રુપ બની, અળસિયાનું પ્રમાણ વધ્યું, ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

શ્રી યશવંતભાઇને સરકાર દ્વારા જંગલ જમીનમાં ગામના શિમાડે આશરે ત્રણ હેક્ટર જેટલી જંગલ જમીન મળી છે. જેમાં તેઓએ શરૂઆતમાં શોખ પુરતા ફળાઉ વૃક્ષોનું વાવેતર કર્યુ હતું. જે બાદ તેઓએ દરેક પ્રકારના ફળાઉ વૃક્ષોનું વાવેતર કર્યું. પ્રાકૃતિક પધ્ધતીથી ઉછેરેલાં આ વૃક્ષોના ફળોની માંગ પણ વધવા લાગી છે. આ જંગલ મોડેલ ફાર્મમાં આંબા, ફણસ, સીતાફળ, રામફળ, લક્ષ્મણફળ, કાજુ, કેળા, અંજીર, ચીકુ, મોસંબી, લાલ જાંબુ, ડ્રેગન ફ્રૂટ, ખાટા આંબળા અને નારિયેળ, અડદ, મગ, સૂર્યમુખી, મૂળા, કતર પાપડી, કોબીજ, મરચાં, પાલક, આંબા હળદર, કાળી હળદર અને ઇલાયચી વેગેરેનો સમાવેશ થાય છે. આ મિશ્ર ખેતી પદ્ધતિને કારણે તેમને આખું વર્ષ આવક મળતી રહે છે. પક્ષીઓ અને વન્ય જીવો માટે પણ આ ખેતર એક સુરક્ષિત આશ્રયસ્થાન બન્યું છે, જેનો આનંદ યશવંતભાઈના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.
શ્રી યશવંતભાઈ જણાવે છે કે, “જિલ્લા આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી વિભાગ દ્વારા મળેલી તાલીમે મારી દ્રષ્ટિ બદલી નાખી. રાજ્યપાલશ્રીના ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ‘ (NMNF) અભિયાનથી પ્રેરાઈને મેં ઝેરમુક્ત ખેતી શરૂ કરી. અને હું આત્મનિર્ભર બન્યો છું અને મારા ખેતરના ફળોની બજારમાં ભારે માંગ રહે છે.”
આજે યશવંતભાઇ બાગુલ નહિવત ખર્ચે સારી આવક મેળવી આત્મનિર્ભર ખેડૂતની સફળ ગાથા કહી રહ્યા છે. તેમનું મૉડેલ ફાર્મ એ સાબિત કરે છે કે “ખેતી એ માત્ર વ્યવસાય નથી, પણ પ્રકૃતિની સેવા છે. જંગલ મોડેલ અપનાવીને આપણે ધરતી માતાને પણ બચાવી શકીએ છીએ અને સમૃદ્ધ પણ બની શકીએ છીએ.” ડાંગ જિલ્લાનું આ મૉડેલ ફાર્મ કુદરતી ખેતી, વૈજ્ઞાનિક આયોજન અને ખેડૂત સશક્તિકરણનું જીવંત પ્રતીક છે.
જંગલ મોડલ પ્રાકૃતિક ખેતીમાં ખેડાણનો ખર્ચ લાગતો નથીઃ
જંગલ મોડલ પદ્ધતિમાં ખેડ બિલકુલ કરવાની હોતી નથી. આથી ખેતરમાં બળદ, ટ્રેક્ટર કે માણસ રાખવાનો કોઈ જ ખર્ચો થતો નથી. દવાનો છંટકાવ કરવાની પણ જરૂર પડતી નથી. એક જ ખેતરમાં બધા જ પાકો (મિક્સ) એટલે કે આંતરપાકની જેમ વાવવાના હોય છે. બે વીઘાના ખેતરમાં જંગલ મોડેલથી અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ, શાકભાજીમાં રીંગણ, ટામેટાં, તુવેર, ફુદીના અને કારેલા જેવા પાકો સિઝન પ્રમાણે તેમજ જુવાર, બાજરી અને મકાઈ જેવા અનાજ સાથે કઠોળમાં ચોળી, ગવાર, મગ અને અડદ જેવા પાકોમાં મને ઉત્તમ ઉત્પાદન મળ્યું છે, ઉપરાંત ખર્ચ નહિવત આવતા નફાનું પ્રમાણ પણ વધ્યું છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
