તાપીના નર્સિંગ સ્ટાફની નિષ્ઠા અને માનવતાભર્યો અભિગમ સમાજ માટે પ્રેરણારૂપ
દિવસ-રાત સેવારત તાપીના નર્સિંગ સ્ટાફને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની શુભકામનાઓ
—
દર્દીની સેવા એ જ અમારો પરમ ધર્મ – સ્ટાફ નર્સ નીલીમા ચૌધરી (વ્યારા-છીંડિયા)
—
તાપીના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવામાં નર્સોની અગત્યની ભૂમિકા – ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાર્ગવ દવે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.12 :- દર વર્ષે ૧૨ મેના રોજ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ આરોગ્ય ક્ષેત્રે અવિરત સેવા આપતા નર્સિંગ સ્ટાફના સમર્પણ, ત્યાગ અને માનવતાને સન્માનિત કરવાનો અવસર છે. આ વર્ષની થીમ “અવર નર્સીસ. અવર ફ્યુચર. એમ્પાવર્ડ નર્સીસ સેવ લાઈવ્સ” છે.
કોરોનાકાળ દરમિયાન તબીબોની સાથે ખભેખભા મિલાવી નર્સિંગ સ્ટાફે જે નિષ્ઠા, હિંમત અને સેવાભાવથી કામગીરી કરી હતી, તે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની હતી. દર્દીઓની સારવારથી લઈને માનસિક હૂંફ પૂરી પાડવાની જવાબદારી સુધી, નર્સોએ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે વ્યારા તાલુકાના છીંડિયા પ્રાથમિક આરોગ્ય સેન્ટર ખાતે ફરજ બજાવતા સ્ટાફ નર્સ નીલીમા ચૌધરીએ જણાવ્યું કે, હોસ્પિટલના ઉંબરે આવતા દરેક દર્દીની સેવા એ જ અમારો પરમ ધર્મ છે. જ્યારે કોઈ દર્દી સાજો થઈને ઘરે જાય છે ત્યારે અમને સાચો સંતોષ મળે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને ઘણીવાર તબીબી સારવાર સાથે માનસિક હૂંફ અને યોગ્ય માર્ગદર્શનની પણ જરૂર રહેતી હોય છે.
સુશ્રી ચૌધરીએ ઉમેર્યું કે, દર્દીઓને સારવાર આપતી વખતે સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવે છે, જેથી લાભથી વંચિત રહેલા લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડી શકાય. દર્દીઓની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સમયસર ઉચ્ચ સારવાર માટે રેફર પણ કરવામાં આવે છે, જેથી કિંમતી જીવ બચાવી શકાય.
આ તકે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાર્ગવ દવેએ જણાવ્યું કે, તાપી જિલ્લામાં ૪૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૭ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ દિવસ-રાત સેવારત રહી આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવી રહ્યો છે. આયુષ્માન ભારત યોજના, માતૃ વંદના યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન તેમજ રસીકરણ અભિયાનના સફળ અમલીકરણમાં નર્સોની ભૂમિકા બહુમૂલ્ય રહી છે. માતા અને બાળકના આરોગ્ય કાર્યક્રમો, શાળા આરોગ્ય તપાસ, ઇમરજન્સી સારવાર, આરોગ્ય જાગૃતિ અભિયાન અને રસીકરણ જેવી કામગીરીમાં નર્સો સક્રિય યોગદાન આપી રહ્યા છે.
નોંધનીય છે કે, વ્યારાના છીંડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિસરમાં તમામ સ્ટાફ નર્સે દર્દીઓની સચોટ સારવાર માટે સામુહિક સંકલ્પ લીધો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અને અભિયાનોના માધ્યમથી ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં નર્સિંગ સ્ટાફની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
