તાપી જિલ્લામાં ત્રિ-દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’ની ભવ્ય પૂર્ણાહુતિ

0
તાપી જિલ્લામાં ત્રિ-દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’ની ભવ્ય પૂર્ણાહુતિ
Contact News Publisher

પ્રોજેક્ટ “સક્ષમ ૧.૦” દ્વારા શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે તાપી જિલ્લામાં નવી પહેલ

તાપી જિલ્લામાં શાળા છોડી ગયેલા બાળકોના પુનઃપ્રવેશ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે – જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી

—  

શૈક્ષણિક મહાપર્વમાં ૮,૦૦૦થી વધુ બાળકોનું બાલવાટિકા અને ધોરણ-૧માં નામાંકન, ધોરણ-૯ અને ૧૧માં ૭ હજાર થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫. :- તાપી જિલ્લામાં તા. ૨૩ થી ૨૫ જૂન ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ત્રિ-દિવસીય કાર્યક્રમ દરમિયાન તાપી જિલ્લામાં નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, તાપી જિલ્લાના પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણે તથા તાપી જિલ્લાના કલેક્ટરશ્રી દેવ ચૌધરી સહિત સનદી અધિકારીઓએ વિવિધ શાળાઓની મુલાકાત લઈ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

 

ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવના મહાપર્વના સમાપન પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં રાજ્યમાં આ શૈક્ષણિક મહાપર્વની શરૂઆત કરવામાં આવી હતી, જેના પરિણામે આજે આ કાર્યક્રમ રાજ્યભરમાં એક જનઆંદોલન સ્વરૂપે ઉજવાઈ રહ્યો છે.

 

તાપી જિલ્લામાં આ વર્ષે ૪,૦૦૦ થી વધુ બાળકોનું બાલવાટિકામાં અને ૪,૦૦૦ થી વધુ બાળકોનું ધોરણ-૧માં નામાંકન કરાયું છે. સાથે જ “બેક ટુ સ્કૂલ” અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણ સાથે જોડવા માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. જિલ્લામાં ૫,૯૦૦ થી વધુ શાળા છોડનારા બાળકોમાંથી અત્યાર સુધી ૪.૧ ટકા બાળકોને પુનઃપ્રવેશ મળી શક્યો નથી, જ્યારે બાકીના બાળકોને પણ શાળામાં પરત લાવવા માટે સતત કામગીરી ચાલી રહી છે.

 

રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા વહીવટી તંત્ર નિર્દેશો અનુસાર માત્ર નામાંકન નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણના ધ્યેય સાથે કાર્યરત છે. ભારત સરકારના નિપુણ ભારત અભિયાન અને રાજ્યના નિપુણ ગુજરાત કાર્યક્રમને કેન્દ્રમાં રાખીને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેસિક લિટરેસી, ગણન, વાંચન અને લેખન કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

 

કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ વધુમાં પ્રોજેક્ટ “સક્ષમ ૧.૦” અંગે જણાવ્યું કે, તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “સક્ષમ ૧.૦” કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં બે દિવસીય શૈક્ષણિક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાયેટના અધિકારીઓ અને આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત શાળાઓની કામગીરીનું નિયમિત મૂલ્યાંકન, રેન્કિંગ, ગુણવત્તા સુધારણા તથા શૈક્ષણિક સુધારાઓ પર સતત ધ્યાન આપવામાં આવશે, જેના દ્વારા શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો લાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે.

 

નોંધનીય છે કે તાપી જિલ્લામાં ધોરણ-૯માં ૪,૫૦૦ થી વધુ અને ધોરણ-૧૧માં ૨,૯૩૭ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં આવ્યો છે.

 

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા સંકલિત રીતે કામગીરી કરવામાં આવી હતી.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *