સોશિયલ મીડિયા પ્રેરણાથી હનુમંતિયાના યુવાને પેવર બ્લોક ઉદ્યોગમાં બનાવી આત્મનિર્ભરતા ની અનોખી મિસાલ
સુરત અપડાઉન કરતા યુવાને સરકારી સહાયથી શરૂ કર્યો વ્યવસાય, ૧૦ લોકોને આપ્યો રોજગાર
—
પ્રદીપભાઈને રૂ. ૧૨.૮૩ લાખની લોન મળી, ૫ લાખ સબસિડી મળવાપાત્ર
—
વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૧૩૨૦ લાભાર્થીઓને ૧૧.૪૯ કરોડ રૂપિયાની સબસિડી સહાય આપવામાં આવી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : :30. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના હનુમંતિયા ગામના યુવાન પ્રદિપભાઈ ચૌધરીએ પોતાની મહેનત, દૃઢ નિશ્ચય અને સરકારી યોજનાઓના સહકારથી આત્મનિર્ભરતાની પ્રેરણાદાયી ગાથા રચી છે.
વર્ષોથી સુરત શહેરમાં નોકરી માટે અપડાઉન કરતા પ્રદિપભાઈએ એક દિવસ પોતાના ભવિષ્ય અંગે ગંભીર વિચાર કર્યો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર પેવર બ્લોક ઉત્પાદન સંબંધિત રીલ જોઈ તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવાની પ્રેરણા મળી.
તેમણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, તાપીની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું અને શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ રૂપિયા ૧૨.૮૩ લાખની લોન તેમજ રૂપિયા ૫ લાખની સબસિડીનો લાભ મેળવી પોતાના ગામમાં, ઘર આંગણેથી જ પેવર બ્લોક ઉત્પાદનનો વ્યવસાય શરૂ કર્યો.
શરૂઆતમાં પડકારો આવ્યા છતાં સતત મહેનત અને લગનથી આજે તેમનો વ્યવસાય સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. હાલ તેમના સાથે ૧૦ જેટલા કારીગરો રોજગાર મેળવી રહ્યા છે, જે ગ્રામ્ય સ્તરે રોજગારી સર્જનનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પ્રસંગે પ્રદિપભાઈ ચૌધરીએ પોતાના અનુભવ શેર કરતા જણાવ્યું કે, શરૂઆતમાં વ્યવસાય શરૂ કરવો સરળ નહોતો. મૂડી, માર્ગદર્શન અને બજાર અંગે ઘણી શંકાઓ હતી. પરંતુ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી મળેલા માર્ગદર્શન અને સરકારી યોજનાની આર્થિક સહાયથી મને આત્મવિશ્વાસ મળ્યો. આજે જ્યારે મારા સાથે ગામના અન્ય લોકો પણ રોજગાર મેળવી રહ્યા છે, ત્યારે મને ગર્વ થાય છે કે મેં યોગ્ય નિર્ણય લીધો. મહેનત અને ધીરજ રાખીએ તો સફળતા ચોક્કસ મળે છે.
આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસિસ્ટન્ટ કમિશનર શ્રી સંદીપભાઈ પટેલે જણાવ્યું કે, કમિશનર કુટિર અને ગ્રામોદ્યોગ હેઠળ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્વરોજગારી મળી રહે તેવા ઉમદા આશયથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૧૩૨૦ લાભાર્થીઓને ૧૧.૪૯ કરોડ રૂપિયાની સબસિડી સહાય આપવામાં આવી છે.
આ યોજનાની વિગતો આપતા તેમણે વધુમાં જણાવ્યું કે, અહીં એસ.સી., એસ.ટી., દિવ્યાંગ અને મહિલા લાભાર્થીઓને વિવિધ કેટેગરીમાં લોન સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. શ્રી પ્રદિપભાઈને પણ આ યોજના હેઠળ પેવર (સિમેન્ટ) બ્લોક બનાવવાના વ્યવસાય માટે ૧૨.૮૩ લાખ રૂપિયાની લોન મળી છે. અને ૪.૮૭ લાખ રૂપિયાની સબસિડી મળવા પાત્ર છે.
માત્ર ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલા પ્રદિપભાઈએ સાબિત કર્યું છે કે, સંકલ્પ અને યોગ્ય માર્ગદર્શન હોય તો કોઈપણ યુવાન આત્મનિર્ભર બની શકે છે. તેમની આ સફળતા અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.
રાજ્યમાં યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ જેવી પહેલો દ્વારા ઉદ્યોગ અને સ્વરોજગારને મળતા પ્રોત્સાહનનો લાભ લઈ અનેક યુવાનો આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
