માતાને શોધવા નીકળેલી ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન તાપીની ટીમ

0
માતાને શોધવા નીકળેલી ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન તાપીની ટીમ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ડોલવણ બસ સ્ટેશન પાસે છેલ્લા બે દિવસથી એક અજાણી મહિલા બેઠી હોવાની જાણ થતાં સ્થાનિક વ્યક્તિએ મહિલાની મદદ માટે 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

 

મદદ માટેનો કોલ મળતાં જ 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન તાપીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થળ પર હાજર વ્યક્તિએ ટીમને જણાવ્યું હતું કે, મહિલા છેલ્લા બે દિવસથી બસ સ્ટેશન પાસે બેઠાં છે. તેમની સાથે વાતચીત કરી નામ અને સરનામું પૂછતાં તેઓ યોગ્ય માહિતી આપી શકતાં નહોતાં અને પોતાની માતાને શોધવા આવ્યાં હોવાનું જણાવતાં હતાં. રાત્રિનો સમય હોવાથી મહિલાની સુરક્ષા અને મદદના હેતુથી 181 ટીમને જાણ કરવામાં આવી હતી.

 

181 ટીમે મહિલા સાથે સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી તેમને વિશ્વાસમાં લીધાં હતાં. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ પોતાની માતાને શોધવા માટે ઘરેથી નીકળ્યાં હોવાનું અને માતા ન મળતાં બસ સ્ટેશન પાસે રોકાયાં હોવાનું જણાવ્યું હતું. ટીમે ધીરજપૂર્વક વાતચીત કરીને મહિલાનું નામ અને સરનામું મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ આપેલી માહિતીના આધારે ટીમે સ્થાનિક સરપંચનો સંપર્ક કરી મહિલાના રહેઠાણ અને પરિવાર અંગે ખરાઈ કરી હતી.

 

સ્થાનિક સ્તરે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મહિલા બુહારી વિસ્તારનાં મોરલા ગામનાં રહેવાસી હતાં અને તેમનો પરિવાર છેલ્લા બે દિવસથી તેમની શોધખોળ કરી રહ્યો હતો. મહિલાની માતા સામાજિક પ્રસંગમાં હાજરી આપવા સુરત ગયાં હતાં. તે દરમિયાન મહિલા પોતાની માતાને શોધવા માટે ઘરેથી નીકળી ગયાં હતાં અને ત્યારબાદ પરિવારનો સંપર્ક થઈ શક્યો નહોતો.

 

મહિલાના પરિવારની માહિતીની ખરાઈ કર્યા બાદ 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનની ટીમે મહિલાને તેમના પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચાડ્યાં હતાં. બે દિવસથી દીકરીની શોધખોળ કરી રહેલા પરિવારને દીકરી પરત મળતાં ખૂબ જ રાહત થઈ હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, તેઓ દીકરીને શોધવા માટે વ્યારા સહિતનાં સ્થળોએ પણ ગયાં હતાં, પરંતુ તેમનો પત્તો મળ્યો નહોતો. દીકરીને સહીસલામત પરત મેળવી પરિવારજનોએ 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

આમ, 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન તાપીની ટીમે સમયસર સ્થળ પર પહોંચી સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ, સ્થાનિક સ્તરે ખરાઈ અને પરિવાર સાથે સંકલન કરીને બે દિવસથી પરિવારથી વિખૂટી પડેલી મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.

●●●

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *