તાપી જિલ્લાના પેન્શનરો માટે હયાતીની નોંધણી અંગે જાણવા જોગ સૂચના
પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તા.૧લી મે થી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી કરાવી લેવાની રહેશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦ :- જિલ્લા તિજોરી કચેરી, વ્યારા-તાપીથી IRLA સિસ્ટમ મારફતે (બેંક મારફતે) રાજ્ય/કેન્દ્ર સરકારની પેન્શન મેળવનાર પેન્શનરોને જાણ કરવામાં આવે છે કે, તેઓએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તિજોરી કચેરી સાથે સંકળાયેલ બેંક શાખામાં તા. ૦૧/૦૫/૨૦૨૬ થી તા. ૩૧/૦૫/૨૦૨૬ દરમિયાન કરાવવાની રહેશે.
કુટુંબ પેન્શનરોએ પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તા. ૩૧.૦૭.૨૦૨૬ સુધીમાં જે પેન્શનરોના હયાતીના ફોર્મ તિજોરી કચેરીને મળશે નહીં તેવા પેન્શનરોનું ઓગસ્ટ ૨૦૨૬ (પેઇડ ઇન સપ્ટેમ્બર ૨૦૨૬) થી પેન્શન સ્થગિત કરવામાં આવશે, જેની સર્વે પેન્શનરોએ નોંધ લેવા જણાવાયું છે. પેન્શનરો www.jeevanpramaan.gov.in વેબસાઈટ પર ઓનલાઈન હયાતી નોંધાવી શકે છે. જેમણે આધારકાર્ડ કે પાનકાર્ડ આપેલ નથી તેવા પેન્શનરોને તેની નકલ હયાતી ફોર્મ સાથે સંલગ્ન રાખવાની રહેશે.
વધુમાં, જે પેન્શનરો ઘરે બેઠા હયાતી કરાવવી હોય તેઓએ તેમની નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે જેથી નિર્ધારિત તારીખ અને સમયે પોસ્ટમેન તેમના ઘરે જઈ ‘જીવનપ્રમાણ’ પોર્ટલ પર વિનામૂલ્યે તેમની હયાતી નોંધાવી આપશે.
પેન્શનરોને સુવિધા માટે હયાતીની ખરાઈ પોસ્ટ ઓફિસ દ્વારા ઘર બેઠા કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પેન્શનરોના નિવાસ સ્થાને જઈ, વિના મૂલ્યે જીવનપ્રમાણ એપ્લિકેશન દ્વારા હયાતીનું પ્રમાણપત્ર જનરેટ કરી શકશે.
વિદેશમાં રહેતા પેન્શનરો માટે નોટરી પાસેથી ફોટ સહિત બેંક/શાખા, પી.પી.ઓ. નંબર તથા ખાતા નંબર દર્શાવી સબમિટ કરવાનું રહેશે. નોટરીથી કરાવેલ હયાતી અસલમાં તથા પાસપોર્ટની નકલ તથા વિદેશી નાગરિકતા ધરાવતા પેન્શનરશ્રીઓએ NRO એકાઉન્ટ કરેલ બેન્ક પાસબુકની નકલ હયાતી સાથે ફરજીયાત સામેલ રાખવાની રહેશે, અન્યથા હયાતી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. પેન્શનરોએ તિજોરી કચેરીમાં કરેલ નમૂના મુજબની સહી હયાતિના ફોર્મમાં કરવાની રહે. સને ૨૦૨૫-૨૦૨૬ ના વર્ષના આવકના પ્રમાણપત્ર પણ બેન્કમાંથી અથવા cybertreasury પોર્ટલ પરથી ઓનલાઈન મેળવી શકશે. તેમ તાપી જિલ્લા તિજોરી અધિકારી તરફથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
