પોતાનું લગ્નજીવન બચાવવા મહિલાએ લીધી 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન તાપીની મદદ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા મહિલાએ પતિના શંકા અને વહેમને કારણે ઉદ્ભવતા પારિવારિક વિવાદના નિરાકરણ માટે 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનની મદદ માગી હતી.
મહિલાની રજૂઆતના આધારે 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન તાપીની ટીમ સ્થળ પર પહોંચી હતી. મહિલાએ કાઉન્સેલરને પોતાની પરિસ્થિતિ જણાવતાં કહ્યું હતું કે, તેમના લગ્નને 25 વર્ષ થયાં છે અને તેમને બે દીકરીઓ છે. તેમણે પતિ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. મહિલાના જણાવ્યા મુજબ, તેમના પતિ શંકા અને વહેમને કારણે તેમની સાથે અપમાનજનક ભાષામાં વાતચીત કરતા, ઝઘડો કરતા અને મારપીટ પણ કરતા હતા. આના કારણે પરિવારમાં વારંવાર વિવાદની પરિસ્થિતિ ઊભી થતી હતી.
મહિલા પોતાનું લગ્નજીવન જાળવી રાખવા ઇચ્છતી હોવાથી પતિને સમજાવી પારિવારિક વિવાદનું નિરાકરણ લાવવા માટે 181 ટીમની મદદ માગી હતી.
181 અભયમ્ મહિલા હેલ્પલાઇન તાપીની ટીમ દ્વારા મહિલાની રજૂઆત સંવેદનશીલતાપૂર્વક સાંભળવામાં આવી હતી. ત્યારબાદ પતિનું કાઉન્સેલિંગ કરી તેમને પરસ્પર વિશ્વાસ, આદર અને સમજણનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ પારિવારિક મતભેદોનું નિરાકરણ ઝઘડા કે હિંસાથી નહીં, પરંતુ શાંતિપૂર્ણ સંવાદ અને પરસ્પર સમજણથી લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ટીમ દ્વારા પતિને સમજાવવામાં આવ્યું હતું કે, પત્ની સાથે મારપીટ કરવી, ધમકી આપવી કે હેરાનગતિ કરવી ગંભીર બાબત છે અને સંજોગોના આધારે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. પતિને પત્નીના સન્માન અને સુરક્ષાનું ધ્યાન રાખવા તથા ભવિષ્યમાં કોઈપણ મતભેદ થાય ત્યારે શાંતિપૂર્વક તેનો ઉકેલ લાવવા સમજાવવામાં આવ્યું હતું.
કાઉન્સેલિંગ દરમિયાન પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને વર્તનમાં સુધારો લાવવાની તૈયારી દર્શાવી હતી. મહિલાએ પણ પોતાનું લગ્નજીવન જાળવી રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તે સમયે પતિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ઇચ્છા દર્શાવી નહોતી.
આમ, 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન તાપીની ટીમ દ્વારા અસરકારક કાઉન્સેલિંગ અને માર્ગદર્શનના માધ્યમથી બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજણ કેળવી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. સાથે જ ભવિષ્યમાં પારિવારિક વિવાદની પરિસ્થિતિ ઊભી થાય તો શાંતિપૂર્ણ રીતે તેનો ઉકેલ લાવવા અને પરસ્પર સન્માન જાળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
●●●
