મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાપી જિલ્લાના ૪૯ આયુષ્માન આરોગ્ય મંદિરોનું લોકાર્પણ સંપન્ન
Contact News Publisher

અમદાવાદ ખાતેથી રાજ્યભરના કરોડો રૂપિયાના આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત સફળતાપૂર્વક સંપન્ન થયું છે. આ કાર્યક્રમ અંતર્ગત સવારે ૧૧:૧૫ કલાકે અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યભરના સબસેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પેટા જીલ્લા હોસ્પિટલ અને જીલ્લા હોસ્પિટલના પ્રકલ્પોનું ઈ-માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત કુલ ₹૧૨૪.૪૦ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત અને ₹૧૭૬૪.૧૮ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સિવિલ હોસ્પિટલ, મેડિસિટી, અમદાવાદ ખાતે ₹૨૨૩.૧૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૫૨૦ પથારીની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સ એન્ડ રીસર્ચ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ રાજ્યકક્ષાના કાર્યક્રમના ભાગરૂપે, તાપી જિલ્લામાં નવનિર્મિત ૪૯ ‘આયુષ્માન આરોગ્ય મંદિરો’ (સબસેન્ટર) નું પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બની છે અને ગ્રામ્ય નાગરિકોને ઘરઆંગણે જ ઉત્તમ આરોગ્ય સુવિધાઓ મળતી થશે.
તાપી જિલ્લાના આ ૪૯ સબ સેન્ટરો ખાતે સ્થાનિક કક્ષાએ લોકાર્પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે પૈકી મગરકૂઈ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, સોનગઢ તાલુકાના નિશાળા ગામે ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિ, ઉચ્છલ તાલુકાના મોહિની ખાતે ઉચ્છલ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા લખાલી ખાતે વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમો સંપન્ન થયા હતા.
જિલ્લાભરમાં યોજાયેલા આ સમગ્ર કાર્યક્રમોમાં અંદાજિત ૨૦૦૦ થી વધુ ગ્રામજનો તથા સ્થાનિક પદાધિકારીઓશ્રીઓ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. સવારે ૧૦:૩૦ કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમોમાં ઉપસ્થિત સૌ કોઈ દ્વારા ૧૧:૧૫ કલાકે રાજ્ય કક્ષાના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ (Live Telecast) પણ નિહાળવામાં આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સુચારુ આયોજન હેઠળ આ લોકાર્પણ કાર્યક્રમ ઉત્સાહભેર પૂર્ણ થયો હતો.
●●●
