કણભી પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી આચાર્ય દયાકોરબેન પટેલનો વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કણભી પ્રાથમિક શાળામાં વર્ષોથી અવિરત સેવા બજાવી રહેલાં આચાર્ય દયાકોરબેન ડાહ્યાભાઈ પટેલ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ અત્રેની શાળાનાં પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામનાં સરપંચ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતા, કેન્દ્રાચાર્ય પરેશ પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીજનો સહિત વડોલી તથા સીથાણ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં શિક્ષણ કાર્ય સાથે શાળાનાં બાળકોનાં ઉપચારાત્મક કાર્ય, બાહ્ય પ્રવૃત્તિઓ ઉપરાંત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવાં વિવિધ પાસાઓની ચિંતા તેઓ હરહંમેશ રાખતાં હતાં. પોતાની ફરજને પ્રભુકાર્ય સમજી વર્ષો સુધી એકધારી સેવા તેમણે આ શાળામાં આપી સાચા અર્થમાં પોતાનું શિક્ષકત્વ ઉજાગર કર્યું. સંપૂર્ણપણે શાળાને સમર્પિત એવાં આ શિક્ષિકાનાં વિદાય પ્રસંગે તેમનું શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. વડોલીનાં કેન્દ્રાચાર્ય પરેશ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં દયાકોરબેનની ફરજ પ્રત્યેની પ્રતિબધ્ધતા, વહીવટી કુશળતા તેમજ બાળકો સાથેનાં લગાવને બિરદાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ કર્યુ હતું. અંતમાં વડોલી પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક ભરત સોલંકીએ આભારવિધિ આટોપી હતી.
એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
