સામાજિક ઉત્તરદાયિત્વ : કરંજમાં પહલ હોસ્પિટલનાં ડો.પૂર્વી પટેલ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૧. ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કરંજ પ્રાથમિક શાળામાં સુરત શહેરનાં મોરાભાગળ સ્થિત પહલ હોસ્પિટલનાં ડો.પૂર્વી પટેલ દ્વારા તેમનાં સ્વર્ગસ્થ પિતાશ્રી ડો.લક્ષ્મણભાઈ પટેલનાં સ્મરણાર્થે તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરીને ‘વિદ્યા દાન શ્રેષ્ઠ દાન’નાં સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું. અત્રેની શાળામાં યોજાયેલ એક નાનકડા કાર્યક્રમ પ્રસંગે આચાર્ય મિનાક્ષીબેન પટેલે દાતાશ્રીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સેવાકીય પ્રવૃત્તિનાં ઉમદા હેતુસર ડો.પૂર્વી પટેલ દ્વારા આરંભાયેલ પરોપકારી સુવાસથી અનેક જરૂરિયાતમંદ ગરીબ બાળકોનાં ચહેરાઓ પર ખુશી લહેરાઈ છે. તેમની નિઃસ્વાર્થ સખાવત દ્વારા કેટલાંય બાળકોનાં જીવનમાં શૈક્ષણિક બદલાવ આવ્યો છે. પ્રતિવર્ષ તેમનાં દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓનાં જરૂરિયાતમંદ બાળકોને દફતર, નોટબુક તથા અન્ય શૈક્ષણિક કીટનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે જે નોંધનીય બાબત છે.
કીટ વિતરણ પ્રસંગે ડો.પૂર્વી પટેલે જણાવ્યું હતું કે અમારી સેવાનો આશય પ્રસિદ્ધિનો નથી બલ્કે નિર્દોષ બાળકોનાં ચહેરાઓ પર ખુશી લાવવાનો છે. આ તકે તેમણે સંતોષનો ભાવ વ્યક્ત કરી ઉપસ્થિત શિક્ષકગણ સાથે શૈક્ષણિક સંવાદ સાધી ભવિષ્યમાં પણ સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. અંતમાં શાળાનાં ઉપશિક્ષક નિલેશ પટેલે દાતાશ્રીનાં સામાજિક ઉત્તરદાયિત્વની સરાહના કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
