અભયમ 181 દ્વારા માનસિક રીતે અસ્થિર અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય અપાવાયો : મહિલાના પરિવારજનોની ભાળ મળે તો જાણ કરશો

0
અભયમ 181 દ્વારા માનસિક રીતે અસ્થિર અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય અપાવાયો : મહિલાના પરિવારજનોની ભાળ મળે તો જાણ કરશો
Contact News Publisher

અડાજણ વિસ્તારમાંથી મળેલી જાણના આધારે અભયમ 181 ઉમરા ટીમે સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ કરી મહિલાને સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડી; ઓળખ અંગે માહિતી હોય તો અભયમ 181નો સંપર્ક કરવા અપીલ

 

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૯. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક એક અજાણી મહિલા લાંબા સમયથી એકલી બેઠેલી તથા માનસિક રીતે અસ્થિર હાલતમાં હોવાની જાણ એક જાગૃત નાગરિક દ્વારા અભયમ 181 મહિલા હેલ્પલાઇન પર કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ અભયમ 181 ઉમરા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલા સાથે સંવેદનશીલ અને વિશ્વાસપૂર્ણ રીતે સંપર્ક સાધ્યો.

ટીમ દ્વારા મહિલાનું ધીરજપૂર્વક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. શરૂઆતમાં મહિલા કોઈ સ્પષ્ટ માહિતી આપતા નહોતા, વારંવાર પોતાનું અલગ-અલગ નામ જણાવતા હતા તેમજ સરનામું અથવા પરિવાર વિશે સંતોષકારક માહિતી આપી શકતા નહોતા. તેઓ મુખ્યત્વે હિન્દી ભાષામાં વાતચીત કરતા હતા. કાઉન્સેલિંગ દરમિયાન મહિલા માનસિક રીતે અસ્થિર હોવાનું તથા તેમની શારીરિક સ્થિતિ પણ નબળી હોવાનું પ્રાથમિક રીતે જણાયું. મહિલાએ જણાવ્યું કે તેઓ પંજાબ તરફના હોવાનું કહેતા હતા, પરંતુ પોતાની ઓળખ અંગે કોઈ વિશ્વસનીય માહિતી આપી શક્યા નહોતા.

મહિલાની વર્તમાન પરિસ્થિતિ, સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અભયમ 181 ટીમે જરૂરી માનવતાવાદી અભિગમ અપનાવ્યો અને સંબંધિત સંસ્થાઓ સાથે સંકલન કરીને નવજીવન માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભુ સેવા આશ્રમ ખાતે મહિલાને સુરક્ષિત આશ્રય અપાવ્યો, જેથી તેમને યોગ્ય સંભાળ, ભોજન, સારવાર તથા જરૂરી સહાય મળી રહે.

અભયમ 181 મહિલા હેલ્પલાઇન માત્ર કટોકટી સમયે રેસ્ક્યુ સેવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સંવેદનશીલ કાઉન્સેલિંગ, જોખમનું મૂલ્યાંકન, કાયદાકીય અને સામાજિક સહાયનું સંકલન તેમજ જરૂરિયાતમંદ મહિલાને સુરક્ષિત પુનર્વસન સુધી પહોંચાડવાની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવે છે. આ સમગ્ર કાર્યવાહીમાં મહિલાની સુરક્ષા અને ગૌરવને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી.

અપીલ : 

પ્રેસ નોટ સાથે પ્રકાશિત થયેલ ફોટામાં દર્શાવેલ મહિલાની ઓળખ અંગે કોઈપણ નાગરિકને માહિતી હોય અથવા તેમના પરિવારજનો વિશે જાણકારી હોય તો કૃપા કરીને અભયમ 181 મહિલા હેલ્પલાઇનનો તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે, જેથી મહિલાને તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે પુનઃમિલન કરાવી શકાય.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *