વાલોડમાં રૂ. ૫૧.૩૫ કરોડના ખર્ચે ‘આદર્શ નિવાસી શાળા’ નું ખાતમૂહૂર્ત કરતા તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
આદિવાસી સમાજ હવે વિકાસની યાત્રામાં માત્ર લાભાર્થી નહીં, સક્રિય સહભાગી બન્યો છે :- મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
—
નાલોઠામાં ૪૮૦ વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સુવિધાઓ સાથે ૩૨૦ કુમાર-કન્યાઓ માટે રહેણાંક વ્યવસ્થા
—
રાજ્ય સરકાર શિક્ષણ અને આરોગ્ય સહિત છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવા કટિબદ્ધ : રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત
—
મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ : સખી મંડળોને કરાયાં પ્રોત્સાહિત
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 01. :- રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે રવિવારે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાલોઠા ખાતે રૂ. ૫૧.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ‘આદર્શ નિવાસી શાળા (મિશ્ર)’ નું ખાતમૂહૂર્ત કરતા જણાવ્યું કે, આજે આપણો ભારત દેશ વિશ્વના શક્તિશાળી દેશોની સાથે અગ્ર હરોળમાં છે, આદિવાસી સમાજ પણ વિકાસની આ વણથંભી યાત્રામાં સક્રિય સહભાગી બન્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાનોથી ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.
વધુમાં, મંત્રીશ્રી નરેશભાઈ પટેલે નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલની વિશેષતાઓ વર્ણવતા જણાવ્યું કે, ૨૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થનાર આ સંકુલમાં ૪૮૦ વિદ્યાર્થીઓ માટે આધુનિક ડિજિટલ ક્લાસરૂમ અને લાઈબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાશે.
કેમ્પસમાં જ ૧૬૦ કુમાર અને ૧૬૦ કન્યાઓ મળી કુલ ૩૨૦ વિદ્યાર્થીઓ માટે રહેણાંક હોસ્ટેલ, કિચન, ડાયનિંગ હોલ અને સ્ટાફ ક્વાર્ટર્સ જેવી તમામ પાયાની સુવિધાઓ એક જ સ્થળે પૂરી પાડવામાં આવશે, જે આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત આધાર બનશે, તેમ પણ મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ હતુ.
આ તકે રમતગમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, આ સંકુલ આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સપનાઓને પાંખો આપશે. સરકારે શિક્ષણ, આરોગ્ય સહિત છેવાડાના માનવી સુધી લાભ મળે તે માટે કટિબદ્ધ છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ તાપી જિલ્લાની વણથંભી વિકાસગાથા રજૂ કરી આ શાળાને આદિવાસી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. સ્વાગત પ્રવચન પ્રાયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોર એ કર્યું હતું.
નોંધનીય છે કે, કાર્યક્રમના પ્રારંભે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આદર્શ નિવાસી શાળાનું ભૂમિપૂજન કરાયું હતું. તેમજ કાર્યક્રમમાં આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્યોની મનમોહક પ્રસ્તુતિ કરી આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે યોજનાકીય લાભાર્થીઓને લાભનું વિતરણ કરાયુ હતુ, ઉપરાંત, સખી મંડળોને પણ આર્થિક સહાયના ચેક અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ ઢોડીયા, વાલોડ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વર્ષાબેન રાઠોડ, જિલ્લા અગ્રણીશ્રી સૂરજભાઈ વસાવા, પ્રાયોજના વહીવટદારશ્રી જયંતસિંહ રાઠોર, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ, વ્યારા પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ, નાલોઠા સરપંચશ્રી વિજયભાઈ ચૌધરી, જિલ્લાના અગ્રણીઓ, આમંત્રિતો, શિક્ષણજગત સાથે સંકળાયેલા આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, બાળકો-મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
