પ્રત્યેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા : શ્રી મિલિંદ તોરવણે

સોનગઢ તાલુકાની ગુણસદા, સિલવેટ અને ઉકાઈની શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવ્યો
—
‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ માં સહભાગી થતાં તાપી જિલ્લાના પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણે
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 23 – ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ના શૈક્ષણિક મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી થતા તાપી જિલ્લાના પ્રભારી અને શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી મિલિંદ તોરવણેએ સોનગઢ તાલુકાની વિવિધ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.
પ્રભારી સેક્રેટરીશ્રી તોરવણેએ સોનગઢ તાલુકાની પ્રાથમિક શાળા ગુણસદા મુખ્ય, વનરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય-સિલવેટ તેમજ પીએમ શ્રી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ-ઉકાઈની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમના હસ્તે આંગણવાડીના કુલ ૫, બાલવાટિકાના કુલ ૨૩, ધોરણ-૧/૬ ૧૧૦, ધોરણ-૯ માં ૬૮ તેમજ ધોરણ-૧૧ માં કુલ ૧૭૧ બાળકોનો શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણેએ શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. સમાજના અંતિમ છેવાડાના વ્યક્તિ સુધી શિક્ષણનો લાભ પહોંચે તે માટે સરકાર દ્વારા સતત પ્રશંસનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ એ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ દરેક બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું એક ‘જનઆંદોલન’ છે. આ સાથે જ તેમણે ઉપસ્થિત શિક્ષકોને નવી શિક્ષણ નીતિ (NEP) ના અસરકારક અમલીકરણ માટે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત તેમજ કટિબદ્ધ રહેવા ખાસ અનુરોધ કર્યો હતો.
તેમણે, બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી, મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓને શાળામાં ઉત્સાહભેર પ્રવેશ અપાવ્યો હતો. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ સંવાદ દરમિયાન સચિવશ્રીએ શાળામાં શિક્ષણની ગુણવત્તા, ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ સાથે જ તેમણે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, શિસ્ત અને જીવનમૂલ્યોના સંવર્ધન માટે પ્રેરણા પૂરી પાડી પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમોમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, આંગણવાડીની બહેનો,શાળાના આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
