તાલુકા કક્ષાનાં વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં ભટગામ પ્રાથમિક શાળાની સિદ્ધિ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૨. બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૬ સાંધીએર પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં તાલુકાની વિવિધ શાળાઓની ૫૫ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં વિભાગવાર પાંચ શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરવામાં આવી હતી. જે પૈકી વિભાગ-૨ માં ભટગામ પ્રાથમિક શાળાની કૃતિ ફ્યુચર સ્માર્ટ ઓર્ગેનિક ફાર્મ – ૨૦૫૦ શ્રેષ્ઠ જાહેર થઈ હતી. શાળાનાં ગણિત-વિજ્ઞાન વિષયનાં શિક્ષિકા જીનલબેન પટેલ માર્ગદર્શિત આ કૃતિના બાળ વૈજ્ઞાનિકો એવાં હિમાની જયેશભાઈ સુરતી તથા ડિમ્પલ હરદેવભાઈ ગુર્જરે પોતાની ધારદાર રજૂઆતથી સૌને પ્રભાવિત કર્યા હતાં. વિજેતા બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષિકાને ગામનાં સરપંચ શૈલેષભાઈ રાઠોડ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ હંસાબેન રાઠોડ તથા શાળાનાં આચાર્ય વિજયભાઈ પટેલ સહિત શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં. વેકેશન બાદ જિલ્લા કક્ષાએ આ કૃતિ ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
○○○
