બાગાયતની ત્રણ નવી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ પર અરજીની મુદત ૧૫ નવેમ્બર સુધી લંબાવાઈ
Contact News Publisher

તાપી જિલ્લાના ખેડૂતોને ઓનલાઇન અરજી કરી યોજનાકીય લાભ મેળવવા નાયબ બાગાયત નિયામકની અપીલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨. વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયત ક્ષેત્રની નવી મંજૂર થયેલી યોજનાઓનો વધુમાં વધુ ખેડૂતો લાભ લઈ શકે તે હેતુથી આઇ-ખેડૂત (i-Khedut) પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. અગાઉ તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ખુલ્લું રાખવામાં આવેલું પોર્ટલ હવે તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી ખુલ્લું રહેશે.
બાગાયત નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે મંજૂર કરવામાં આવેલી નીચેની ત્રણ યોજનાઓ હેઠળ ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ – તમામ જાતિના ખેડૂતો માટે,ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ – તમામ જાતિના ખેડૂતો માટે,રાઇઝોમેટીક (આદુ/હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ – માત્ર અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે.
જિલ્લાના તમામ પાત્ર અને રસ ધરાવતા ખેડૂતોએ આ યોજનાઓનો લાભ મેળવવા માટે તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી દેવા નાયબ બાગાયત નિયામકશ્રી, તાપી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
યોજનાઓ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ખેડૂતો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક નં. ૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, તાપી ખાતે અથવા ફોન નં. ૦૨૬૨૬-૨૨૧૪૨૩ પર સંપર્ક કરી શકશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
●●●
