વિશ્વ નદી દિવસની ઉજવણી અંતર્ગત તાપી નદીની સફાઈ અને મત્સ્યબીજનું સંચયન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮. વિશ્વ નદી દિવસ નિમિત્તે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ તથા સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન, ઉકાઈના સંયુક્ત ઉપક્રમે વિવિધ જનજાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ નદી દિવસ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે લિમ્બી નિવાસી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ઉકાઈ વિસ્તારમાં તાપી નદીના કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ નદીની આસપાસનો કચરો દૂર કરી નદી સ્વચ્છતા અને જળસંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવી હતી.
કાર્યક્રમ દરમિયાન તાપી માતાની આરતી કરવામાં આવી તેમજ તાપી નદીમાં મત્સ્યબીજનું સંચયન (ફિશ સીડ રાંચીગ ) કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્પર્સ સોશિયલ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી મધુકર વર્માજી ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે તાપી નદીમાં ૩૦૦૦ જેટલા મત્સ્યબીજ છોડવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ તાપી નદીના પર્યાવરણનું સંરક્ષણ, નદી સ્વચ્છતા અંગે જાગૃતિ, જળચર જૈવવિવિધતાનું સંવર્ધન તથા સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓમાં નદીઓ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો.
કાર્યક્રમમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ તથા સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ, શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
