તાપી જિલ્લા માહિતી કચેરીની ટીમે ડોસવાડા ખાતે સામુહિક સાફસફાઈ કરીને ૨૫ કિલોથી વધુ કચરો એકત્રિત કર્યો

ડોસવાડા પર્યટન સ્થળ તથા ડેમ પરિસર ખાતે શ્રમદાન કરીને સૌએ સામુહિક સ્વચ્છતાના શપથ લીધા
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫. – તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન અને સહાયક માહિતી નિયામકશ્રી સુમિત ગોહિલના નેતૃત્વ હેઠળ સેવા સંકલ્પ અભિયાન તથા સ્વચ્છતા હી સેવા ૨૦૨૬ હેઠળ જિલ્લા માહિતી કચેરીની ટીમ દ્વારા ડોસવાડા પર્યટન તથા ડેમ પરિસર ખાતે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અને શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘૨૫ વર્ષ – જનસેવાથી રાષ્ટ્રસેવા’ની ઉજવણી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ની ઉત્સાહભેર ઉજવણી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ટીમ તાપીએ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને ડોસવાડા ગ્રામપંચાયતના સરપંચશ્રી-તલાટીશ્રી અને ગ્રામજનોના સહયોગથી જાહેર તથા પર્યટન સ્થળોએ સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ન ફેકતા કચરા પેટીમાં નાખવા તથા લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ ઉપાડી હતી.
માહિતી વિભાગની ટીમ અને ગ્રામજનોએ સાથે મળીને પર્યટન સ્થળ પરિસરમાંથી પ્લાસ્ટિક સહિત આશરે ૨૫ કિલોથી વધુ કચરો એકત્રિત કરી સમગ્ર વિસ્તારને સ્વચ્છ અને નયનરમ્ય બનાવ્યો હતો. નોંધનીય છે કે, આ શ્રમદાનનો મુખ્ય આશય લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને ‘સ્વચ્છતા એ સૌની સામૂહિક જવાબદારી છે’ તેવા ભાવને ઉજાગર કરવાનો હતો.
આ કાર્યક્રમ દરમિયાન પોતાના પૂર્વ નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ હેઠળ અચાનક આવી પહોંચેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પણ આ સરાહનીય પહેલમાં ઉત્સાહભેર જોડાઈને શ્રમદાન કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવા માટેના સામુહિક શપથ લીધા હતા અને સમાજના અન્ય લોકોને પણ પોતાના આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે સંકલ્પબદ્ધ કર્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
