વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન એ પ્રત્યેક નાગરિકની નૈતિક જવાબદારી : રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

વ્યારા ખાતે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં ૭૭મા વન મહોત્સવની ઉજવણી કરાઈ
—
‘એક પેડ મા કે નામ’ અભિયાન: તાપી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૬૭.૮૨ લાખ રોપાઓનું વાવેતર કરાયું
—
વૃક્ષારોપણને જનઆંદોલન બનાવવા અપીલપ કરતાં નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૧. :- તાપી જિલ્લામાં રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉનહોલ, વ્યારા ખાતે શુક્રવારે “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સંકલ્પ સાથે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ, તેની જાળવણી અને સંરક્ષણના કાર્યક્રમોને જિલ્લા તેમજ તાલુકા સ્તર સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન એ માત્ર સરકાર કે વહીવટી તંત્રની જ નહીં, પરંતુ પ્રત્યેક નાગરિકની પણ જવાબદારી છે.
તાપી જિલ્લામાં ચાલતી વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ અંગે તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષથી વન વિભાગ અને પ્રકૃતિ સંવર્ધન સમિતિ દ્વારા સોનગઢ તાલુકાના રાણીઆંબા તેમજ સાદડવેલ સહિતના વિસ્તારોમાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
અંતે, મંત્રીશ્રીએ દરેક નાગરિક પોતાના ઘર, શાળા કે ખેતરના આંગણે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અને તેને બાળકની જેમ જતન કરીને “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત” ના સ્વપ્નને સાકાર કરીને તાપી જિલ્લાને પર્યાવરણ સંરક્ષણનું શ્રેષ્ઠ મોડેલ બનાવવા આહ્વાન કર્યુ હતુ.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તાએ જણાવ્યું કે, આજના સમયમાં ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે પહોંચી વળવા માટે વૃક્ષારોપણ અત્યંત જરૂરી છે. તેમણે વૃક્ષારોપણની આ ઝુંબેશ એક જનઆંદોલન બને તે માટે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે, તાપી જિલ્લાનો ૯૦ હજાર હેક્ટરથી વધુનો અનમોલ વન વિસ્તાર માત્ર આપણી પ્રાકૃતિક સંપદા નથી, પરંતુ સ્થાનિક આદિવાસીઓ, ખેડૂતો અને કોટવાળીયા પરિવારોની આજીવિકાનો મુખ્ય આધાર છે. વૃક્ષો અને પર્યાવરણનું જતન કરવું એ માત્ર વન વિભાગની નહીં, પરંતુ આપણા સૌની નૈતિક ફરજ છે.
‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત છેલ્લા બે વર્ષમાં તાપી જિલ્લામાં ૬૭.૮૨ લાખ રોપાઓનું વાવેતર કરાયું છે. વન સંવર્ધન યોજના હેઠળ ચાલુ વર્ષે ૧,૬૯૧ હેક્ટરમાં ૧૨.૫૭ લાખથી વધુ રોપાઓ વવાયા છે તથા જનતા માટે ૧૬.૨૫ લાખ રોપાઓ વિતરણ અર્થે મુકાયા છે.
આ કાર્યક્રમમાં પર્યાવરણ અને જીવ સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિ વિશેષને પ્રશસ્તિ પત્ર તેમજ લાભાર્થીઓને યોજનાકિય આર્થિક સહાય આપીને પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો પાઠવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ કોંકણી અને શ્રી મોહનભાઈ ઢોડિયા, એસીએફ સર્વશ્રી અર્પિત પુણિયા અને સુશ્રી ઉપમા જૈન, ઉપસ્થિત મહાનુભાવો, આમંત્રિતો, તાલુકા-નગરપાલિકાના પદાધિકારીઓ, આરએફઓ સર્વશ્રી, વન વિભાગના તમામ અધિકારીઓ-કર્મચારીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી ઉપસ્થિત રહ્યા હતા.
00000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
