એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે – પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

0
એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે - પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
Contact News Publisher

શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસ અને ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે અનિવાર્ય છે – રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

તાપી જિલ્લામાં શિક્ષણ થકી સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા ઉપસ્થિત સૌએ લીધી સામૂહિક પ્રતિજ્ઞા

— 

શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરાયા

શ્રીમતી કે.કે.કદમ વિદ્યાલય વ્યારા ખાતે સમરસ વિદ્યાસેતુ કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૧. – રાજ્યના આદિજાતિ વિકાસ અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે, રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં વ્યારા સ્થિત શ્રીમતી કે. કે. કદમ કન્યા વિદ્યાલય ખાતે ‘શિક્ષણમાં સમરસતા લાવીએ, દરેક બાળકને આગળ વધારીએ’ ના સંકલ્પ સાથે આયોજિત ‘સમરસ વિદ્યાસેતુ અભિયાન’ને સંબોધિત કરતા જણાવ્યું કે, તાપી જિલ્લામાં ૩૭૦૦થી પણ વધુ બાળકોને પુનઃ શાળા તરફ દોરી જવાનું સરાહનીય કાર્ય થયું છે.

 

મંત્રીશ્રી નરેશભાઈ પટેલે ઉમેર્યુ કે, વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી અભિયાન’ની શરૂઆત કરાવી હતી, જેના પરિણામે આજે ગુજરાતમાં ડ્રોપ-આઉટ રેશિયો નહિવત થયો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગ, વહીવટી તંત્ર અને સમાજના સહિયારા પ્રયાસોથી ખૂટતી કડીઓ પૂરી કરવાનું કામ પૂર્ણ થયું છે.

 

તાપી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી નરેશભાઈ પટેલે કહ્યું કે, જ્યારે એક વિદ્યાર્થીનું જીવન બગડે છે ત્યારે આખા પરિવારનું સપનું તૂટે છે અને સમાજનો વિકાસ અટકે છે. આજની પેઢી શિક્ષિત બને અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે. આજે આપણો દેશ આર્થિક દ્રષ્ટિએ વિશ્વના અગ્રણી દેશોની હરોળમાં સ્થાન ધરાવે છે, ત્યારે આપણી પ્રાચીન ગુરુકુળ પરંપરા જળવાઈ રહે તે જવાબદારી પણ આપણા સૌની છે.

 

આ પ્રસંગે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, સરકારે શિક્ષણલક્ષી અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેથી રાજ્યનો એક પણ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે. આજે ખેતી હોય કે પશુપાલન, નાના વ્યવસાય તેમજ નવા ઇનોવેશન માટે શિક્ષણ અત્યંત જરૂરી છે. એક શિક્ષિત વિદ્યાર્થી માત્ર પોતાના પરિવાર જ નહીં, પરંતુ અન્ય અનેક કુટુંબો માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

 

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણને હંમેશા વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. તેમણે ૨૦૦૩માં શરૂ કરાવેલ ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ આજે વટવૃક્ષ બની ચૂક્યા છે. શિક્ષણ માત્ર નોકરી માટે નહીં, પણ સર્વાંગી વિકાસ અને ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે અનિવાર્ય છે.

 

વધુમાં કાર્યક્રમમાં ટેલિફિલ્મ દ્વારા ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર, નામાંકન જાળવવા તેમજ નમો સરસ્વતી, નમો લક્ષ્મી, પોષણ અને યુનિફોર્મ સહાય જેવી કલ્યાણકારી યોજનાઓ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બનાવી રહી હોવાની માહિતી આપવામાં આવી હતી.

 

આ ઉપરાંત, કાર્યક્રમમાં બાળકોનો ડ્રોપ-આઉટ રેશિયો ઘટે અને શિક્ષણ થકી તાપી જિલ્લા સહિત રાજ્ય તેમજ દેશનો વિકાસ સુનિશ્ચિત થાય, તે માટે ઉપસ્થિત સૌએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. સાથે જ, અધવચ્ચે શાળા છોડી ગયેલા બાળકોના પુનઃ પ્રવેશ બદલ મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.

 

તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે આયોજિત સમરસ વિદ્યાસેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ ઢોડિયા અને મોહનભાઈ કોંકણી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વર્ષાબેન વસાવા સહિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી જે. ડી. પટેલ. ચેરમેન ઋષિભાઈ ગામીત, ડીપીઓ ધારાબેન પટેલ, ટીપીઓશ્રી, બીઆરસી, સીઆરસી. સહિત મોટી સંખ્યામાં આચાર્ય, શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *