સ્વાતંત્ર્ય પર્વે શિક્ષણની પ્રતિભાઓનું ગૌરવગાન : ઓલપાડ તાલુકાના ૧૧ પ્રતિભાશાળી શિક્ષકોનું ગૌરવભેર સન્માન*

0
સ્વાતંત્ર્ય પર્વે શિક્ષણની પ્રતિભાઓનું ગૌરવગાન : ઓલપાડ તાલુકાના ૧૧ પ્રતિભાશાળી શિક્ષકોનું ગૌરવભેર સન્માન*
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૯.  ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં પાવન અવસરે ઓલપાડ તાલુકા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ ટકારમા પ્રાથમિક શાળા ખાતે ઓલપાડનાં પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. રાષ્ટ્રપ્રેમ અને ઉત્સાહનાં આ પર્વે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોની પ્રતિભાને બિરદાવતા ક્લસ્ટર દીઠ એક એમ કુલ ૧૧ પ્રતિભાશાળી શિક્ષકોને “પ્રતિભાશાળી શિક્ષક” પ્રમાણપત્ર એનાયત કરી ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતાં. તાલુકા પંચાયત પ્રમુખ સહિત તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ, અધિકારીઓ તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સન્માન સમારોહમાં શિક્ષકોની નવીન શૈક્ષણિક પહેલ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા અને શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણનાં નિર્માણ માટેનાં નોંધપાત્ર યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

ક્લસ્ટરવાઈઝ સન્માનિત શિક્ષકોમાં કરંજ ક્લસ્ટરનાં નિલેશભાઈ આર. પટેલ, કીમ ક્લસ્ટરનાં સરિતાબેન જયંતિલાલ પટેલ, કુદિયાણા ક્લસ્ટરનાં મણિલાલ બાવાભાઈ ખલાસી, માસમા ક્લસ્ટરનાં જયંતિલાલ ઈશ્વરલાલ લાડ, મૂળદ ક્લસ્ટરનાં ચેતનાકુમારી મોહનભાઈ પટેલ, ઓલપાડ ક્લસ્ટરનાં કામિનીકુમારી બળવંતલાલ પટેલ, પિંજરત ક્લસ્ટરનાં અમીષા નિરવ શાહ, રાજનગર ક્લસ્ટરનાં વિજયભાઈ વનમાળીભાઈ પટેલ, સાંધીયેર ક્લસ્ટરનાં પિનાકીની એ. પટેલ, સાયણ ક્લસ્ટરનાં મેહુલકુમાર અશોકભાઈ ચૌધરી તથા સીથાણ ક્લસ્ટરનાં અશ્વિનકુમાર મગનલાલ પટેલનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સન્માનિત તમામ શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે પ્રતિભાશાળી શિક્ષકોનું આ સન્માન તેમની મહેનત અને શ્રેષ્ઠ કામગીરીને મળેલી માન્યતા છે, સાથે સાથે ઓલપાડ તાલુકાનાં દરેક શિક્ષકને નવી ઊંચાઈ હાંસલ કરવા માટેની પ્રેરણા પણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે “શ્રેષ્ઠ કામગીરીની ઓળખ, પ્રતિભાનું સન્માન અને નવીનતાને પ્રોત્સાહન” એ સતત પ્રક્રિયા બનવી જોઈએ. શિક્ષકોની આવી શ્રેષ્ઠ પહેલો અન્ય શાળાઓ સુધી પહોંચે અને તેનો લાભ વધુમાં વધુ વિદ્યાર્થીઓને મળે તે માટે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ. પ્રાંત અધિકારી, તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોએ તમામ સન્માનિત શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી તેમની શૈક્ષણિક સેવાઓને બિરદાવી હતી. સ્વાતંત્ર્ય પર્વનાં રાષ્ટ્રગૌરવભર્યા અવસરે શિક્ષણની પ્રતિભાઓનું આ સન્માન ઓલપાડ તાલુકામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, નવીનતા અને શ્રેષ્ઠતાની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવનાર પ્રેરણાદાયી પહેલ બની રહ્યું છે એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *