જાગૃત નાગરિકની સતર્કતાથી અજાણી મહિલાને મળી મદદ, 181 અભયમ ટીમ બારડોલીએ કાઉન્સેલિંગ બાદ સુરક્ષિત આશ્રય અપાવ્યો
Contact News Publisher

કામરેજ તાલુકામાં ત્રણ દિવસથી આશ્રયની જરૂરિયાત સાથે રહેતી મહિલાને 181 અભયમ ટીમે તાત્કાલિક મદદ પહોંચાડી, તરભોણ વૃદ્ધાશ્રમ ખાતે સુરક્ષિત આશ્રયની વ્યવસ્થા કરાવી.
(પ્રયા દુબે દ્વારા, બારડોલી) : તા. ૨૬. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ગામમાંથી એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર જાણ કરવામાં આવી હતી કે ગામમાં એક અજાણી મહિલા છેલ્લા ત્રણ દિવસથી એક સ્થળે રહેતાં હોવાનું જણાય છે. મહિલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને મદદની જરૂરિયાત હોવાથી જાગૃત નાગરિકે 181 હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો.
મદદ માટેની જાણ મળતાં જ 181 અભયમ ટીમ બારડોલી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા મહિલાનો સંપર્ક કરી સૌપ્રથમ તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું અને વિશ્વાસપૂર્ણ વાતાવરણ ઊભું કરી તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી.
દરમિયાન 181 અભયમના કાઉન્સેલર દ્વારા મહિલાની પરિસ્થિતિ અને જરૂરિયાતને સમજી સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. મહિલાની ભાષામાં સંવાદ કરવાનો પ્રયાસ કરી તેમના પરિવાર, રહેઠાણ અને અન્ય જરૂરી વિગતો જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે, મહિલા પોતાનું સંપૂર્ણ સરનામું જણાવી શકતાં ન હોવાથી તેમજ પરિવારજનોનો સંપર્ક નંબર ઉપલબ્ધ ન થતાં પરિવાર સાથે સંપર્ક સ્થાપિત કરવો શક્ય બન્યો નહોતો.
આવી પરિસ્થિતિમાં મહિલાને અસુરક્ષિત વાતાવરણમાં રહેવું ન પડે તે હેતુથી તેમની તાત્કાલિક સુરક્ષા અને આશ્રયની જરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવી હતી. 181 અભયમ ટીમ દ્વારા જરૂરી સંકલન કરી મહિલાને તરભોણ વૃદ્ધાશ્રમ ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો હતો.
આમ, જાગૃત નાગરિકની સમયસરની જાણ અને 181 અભયમ ટીમની ત્વરિત કામગીરી, સંવેદનશીલ કાઉન્સેલિંગ તથા માનવીય અભિગમના પરિણામે આશ્રયની જરૂરિયાત ધરાવતી મહિલાને સુરક્ષિત વાતાવરણ અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી.
પ્રેસનોટ સાથે પ્રકાશિત કરવામાં આવેલા ફોટોગ્રાફમાં દર્શાવેલ મહિલાને જો કોઈ ઓળખતું હોય અથવા તેમના પરિવારજનોને આ અંગે કોઈ માહિતી મળે તો તેઓને વિનંતી છે કે 181 અભયમ ટીમ બારડોલીનો સંપર્ક કરે, જેથી મહિલાના પરિવારજનો સુધી પહોંચવામાં અને પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં જરૂરી સહાય મળી શકે.
181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓની મુશ્કેલીના સમયે મદદ, માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને જરૂરી સુરક્ષા સહાય પૂરી પાડવા માટે સતત પ્રતિબદ્ધ છે.
○○○
