સોનગઢ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી

કોલેજની વિદ્યાર્થીનીઓને શિક્ષણ, સુરક્ષા, કાયદાકીય અધિકારો અને કારકિર્દી અંગે માર્ગદર્શન; યુનિવર્સિટી ટોપર દીકરીઓનું સન્માન
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૦: જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગત શુક્રવારે સોનગઢની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે “મહિલા કલ્યાણ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ કોલેજની વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ, મહિલા સુરક્ષા, કૌશલ્ય વિકાસ તથા કારકિર્દી અંગે માર્ગદર્શન આપવાનો હતો.
કાર્યક્રમમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ ખુશ્બુબેન ગામીતે જેન્ડર સમાનતા, દીકરીઓને શિક્ષણ અને રોજગારીની સમાન તકો તથા બિનપરંપરાગત ક્ષેત્રોમાં આગળ વધવાઅંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ દીકરીઓ માટે ભેદભાવમુક્ત અને સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.
સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક મીનાબેન પરમારે વિદ્યાર્થીનીઓને બંધારણીય અધિકારો, મહિલા સુરક્ષા કાયદાઓ, સામાજિક સુરક્ષા તથા આત્મરક્ષણ અંગે માહિતી આપી હતી. કટોકટીની સ્થિતિમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અને ચાઇલ્ડ હેલ્પલાઇનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ સમજ આપવામાં આવી હતી.
પ્રોફેસર પ્રતિમાબેન ગામીતે વિદ્યાર્થીનીઓને Goal Setting, ડિજિટલ લિટરસી અને માનસિક મનોબળ અંગે માર્ગદર્શન આપી અભ્યાસ સાથે કમ્પ્યુટર, કોડિંગ અને ડિજિટલ કૌશલ્યો વિકસાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટી ટોપર દીકરીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીનીઓએ પોતાના શૈક્ષણિક પ્રવાસ, સંઘર્ષ અને સફળતાના અનુભવો અન્ય વિદ્યાર્થીનીઓ સાથે શેર કરી તેમને ઉચ્ચ શિક્ષણમાં આગળ વધવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ દ્વારા સરકારની મહિલા અને કન્યા કલ્યાણલક્ષી યોજનાઓ તથા શિષ્યવૃત્તિ અને આર્થિક સહાય અંગે માહિતી આપવામાં આવી હતી. કોલેજના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
0000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
