સુરત જિલ્લામાં અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલા સુરક્ષા અને સશક્તિકરણ અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન

નારી વંદના ઉત્સવ–2026 અંતર્ગત મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે શાળા, કોચિંગ ક્લાસ, ગર્લ્સ હોસ્ટેલ અને કાર્યસ્થળે કુલ ચાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૯. નારી વંદના ઉત્સવ–2026 અંતર્ગત ઉજવાતા મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે સુરત જિલ્લાના 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ઉમરા, બારડોલી અને કતારગામ ટીમો દ્વારા કુલ ચાર જાગૃતિ કાર્યક્રમો યોજી વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ તથા કામકાજી મહિલાઓને મહિલા સુરક્ષા, મહિલા અધિકારો અને સરકાર દ્વારા ઉપલબ્ધ સહાય સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ઉમરા લોકેશનના કાઉન્સેલર અહીર મનીષાબેન દ્વારા મુન્શી પ્રેમચંદ નગર પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ તેમજ તારવાડી સ્થિત બેસ્ટ કરિયર મેનેજમેન્ટ ક્લાસિસ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 181 મોબાઇલ એપ્લિકેશન, 112 ઇમરજન્સી સેવા, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને વન સ્ટોપ સેન્ટર (OSC) સહિત મહિલાઓ અને બાળકો માટે ઉપલબ્ધ વિવિધ સહાય સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન 181ના માહિતીપત્રકોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ 181 મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બારડોલી લોકેશનના કાઉન્સેલર તૃપ્તિ પટેલ દ્વારા મહુવા તાલુકાના તરસાડી ગામ સ્થિત કલ્પના ગર્લ્સ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીનીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સેવાઓ, મહિલા સુરક્ષા અને ઇમરજન્સી સમયે ઉપલબ્ધ સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત માહિતીપત્રકોનું વિતરણ કરી 181 મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી.
કતારગામ લોકેશનના કાઉન્સેલર દક્ષાબેન ચૌધરી દ્વારા વરાછા વિસ્તારની ભગીરથ સોસાયટી ખાતે સાડીમાં લેસ-પટ્ટી કાપવાનું કામ કરતી મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 181 મોબાઇલ એપ્લિકેશન, 112 ઇમરજન્સી સેવા તેમજ મહિલાઓના કાનૂની અધિકારો અને સુરક્ષા અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહિલા કલ્યાણ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓને તેમના અધિકારો, સુરક્ષા, આત્મવિશ્વાસ અને સરકાર દ્વારા ઉપલબ્ધ સહાય સેવાઓ અંગે માહિતગાર કરી તેમને વધુ સશક્ત બનાવવાનો છે. આવા કાર્યક્રમો દ્વારા મહિલાઓમાં જાગૃતિ વધે છે અને જરૂરિયાતના સમયે યોગ્ય સેવાઓનો ઉપયોગ કરવાની સમજ કેળવાય છે.
181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા તમામ મહિલાઓને અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની ઘરેલુ હિંસા, માનસિક કે શારીરિક સતામણી, કાનૂની માર્ગદર્શન અથવા અન્ય કોઈ કટોકટીની પરિસ્થિતિમાં નિઃસંકોચ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરે. 181 દ્વારા કાઉન્સેલિંગ, તાત્કાલિક સહાય, રેસ્ક્યૂ અને જરૂરી માર્ગદર્શન જેવી સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
