પ્રાકૃતિક ખેતી હવે વિકલ્પ નહીં, જરૂરિયાત છે – મંડળીના પ્રમુખ ભદ્રાબેન ગામીત

0
પ્રાકૃતિક ખેતી હવે વિકલ્પ નહીં, જરૂરિયાત છે - મંડળીના પ્રમુખ ભદ્રાબેન ગામીત
Contact News Publisher

તાપી જિલ્લામાં ૨૫૦ મહિલા ખેડૂતોની મંડળી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનું બીજ વાવી રહી છે

— 

ચાર વર્ષમાં લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી, ૨૫ હજાર ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી

— 

ઉકાઈ તાલુકાના સિંગપુર વિભાગ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીની બહેનોનો જીવામૃતથી લઈને વેચાણ સુધી ખેડૂતોને સંપૂર્ણ સહયોગ

— 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૩. :- ભૂતકાળમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કૃષિનો અભિન્ન ભાગ બની ગયો હતો. પરંતુ વર્ષો બાદ હવે તેની અસર માત્ર જમીન પર જ નહીં, પાકની ગુણવત્તા, ખેડૂતોની આવક, વેચાણ અને લોકોના આરોગ્ય પર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે.

 

આ જ કારણ છે કે, તાપી જિલ્લામાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન આત્મા પ્રોજેક્ટ હેઠળ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા અંદાજે એક લાખથી વધુ ખેડૂતો અને કૃષિ સાથે સંકળાયેલા લોકોએ પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ મેળવી છે. આજે લગભગ ૨૫ હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે.

 

ઘણા એવા ખેડૂતો છે જેઓ હાલ પણ રાસાયણિક ખેતી કરી રહ્યા છે, તેમણે પણ પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષવા માટે તાપી જિલ્લાની ૨૫૦થી વધુ મહિલા ખેડૂતો પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. ઉકાઈ તાલુકાના સિંગપુર વિભાગ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીની બહેનો આસપાસના આઠ ગામોમાં સતત ખેડૂતો વચ્ચે જઈને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર કરે છે.

 

માત્ર સમજાવટ પૂરતી નહીં, પરંતુ જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત કેવી રીતે તૈયાર કરવું તેની પ્રાયોગિક તાલીમ આપીને ખેડૂતોનો આત્મવિશ્વાસ પણ વધારે છે. જૂના દેશી બિયારણોના સંવર્ધનથી લઈને પ્રાકૃતિક રીતે ઉત્પાદિત અનાજ અને શાકભાજીના સ્થાનિક સ્તરે ખરીદ-વેચાણ સુધીની સમગ્ર વ્યવસ્થા ઉભી કરીને આ મંડળીએ પ્રાકૃતિક ખેતીને વ્યવહારિક સ્વરૂપ આપ્યું છે.

 

આ પ્રસંગે મંડળીના પ્રમુખ ભદ્રાબેન ગામીતે કહ્યુ કે, વર્ષ ૨૦૧૯માં તેમણે આત્મા પ્રોજેક્ટ હેઠળ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા પ્રાકૃતિક ખેતીની પ્રાયોગિક તાલીમ મેળવીને પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. ગામની અન્ય મહિલાઓને પણ એકજૂથ કરીને તે જ વર્ષે સિંગપુર વિભાગ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીની સ્થાપના કરી. આજે આ મંડળીમાં ૨૫૦થી વધુ મહિલા ખેડૂતો જોડાયેલી છે, જે સતત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરી રહી છે.

 

ભદ્રાબેને ઉમેર્યુ કે, રાસાયણિક ખાતરોના સતત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. જમીન જીવંત રહે, તેની પાણી શોષવાની અને ભેજ જાળવી રાખવાની ક્ષમતા વધે, તે માટે પ્રાકૃતિક ખેતી સૌથી અસરકારક માર્ગ છે. શરૂઆતમાં થોડો સમય લાગે છે, પરંતુ જમીન સુધરતાં ઉત્પાદન પણ સારું મળે છે અને પાકની ગુણવત્તામાં પણ નોંધપાત્ર વધારો થાય છે.

 

પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે અને ભવિષ્યમાં કરવી જ પડશે. મંડળીએ સૌપ્રથમ પોતાના ઘરમાં કિચન ગાર્ડન અને નાના પ્લોટમાં શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરીને જીવંત ઉદાહરણ રજૂ કર્યું. જ્યારે ખેડૂતોને પ્રત્યક્ષ પરિણામ જોવા મળ્યાં, ત્યારે તેઓનો વિશ્વાસ પણ વધ્યો છે.

 

પ્રાકૃતિક ખેતીના પરિણામો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તાજેતરમાં વ્યારા તાલુકાના બેડકુવાદૂર ગામે ભારે વરસાદ દરમિયાન એક રસપ્રદ દૃશ્ય જોવા મળ્યું. પ્રાકૃતિક પદ્ધતિથી સીડલેસ લીંબુની ખેતી કરતા પ્રકિતભાઈ ચૌધરીના ખેતરમાં વરસાદી પાણી થોડા જ સમયમાં જમીનમાં શોષાઈ ગયું, જ્યારે બાજુના રાસાયણિક ખેતીવાળા ખેતરમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહ્યું હતુ. આ ઘટના માત્ર પાણીના નીતારની નથી, પરંતુ વર્ષોથી પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની સાક્ષી છે.

 

તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટી તંત્ર, આત્મા પ્રોજેક્ટ અને ખેડૂતોની સક્રિય ભાગીદારીથી તે હવે એક સામૂહિક જવાબદારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સિંગપુરની મહિલા મંડળી જેવી સંસ્થાઓ પોતાના અનુભવ, પરિશ્રમ અને સમર્પણથી ખેડૂતોમાં વિશ્વાસ જગાવી રહી છે કે પ્રાકૃતિક ખેતી માત્ર જમીન બચાવવાનો માર્ગ નથી, પરંતુ આવનારી પેઢીના સ્વસ્થ જીવન અને ટકાઉ કૃષિનો મજબૂત પાયો પણ છે.

આલેખન – રોશન સાવંત, માહિતી મદદનીશ

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other