સુરત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : મોટર અકસ્માત કેસમાં પીડિતને વ્યાજ સહીત અધધ ₹૨.૬૧ કરોડ ચુકવવા હુકમ

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૪. સુરત ડીસ્ટ્રીક્ટ કોર્ટે એક માર્ગ અકસ્માતના કેસમાં ઐતિહાસિક અને માનવીય અભિગમ ધરાવતો ચુકાદો આપ્યો છે. કોર્ટે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અને પોતાની યાદશક્તિ ગુમાવી બેસનાર યુવકને વ્યાજ સહિત રૂપિયા ૨,૬૧,૯૬,૦૬૩ (બે કરોડ એકસઠ લાખ છનું હજાર ત્રેસઠ પુરા) નું મસમોટું વળતર ચૂકવવાનો વીમા કંપનીને આદેશ કર્યો છે.
તારીખ ૦૫-૦૭-૨૦૧૭ ના રોજ સવારે ૦૯.૩૦ કલાકે ભરથાણા ગામ વેસુના રહેવાસી હિતેન્દ્રભાઈ મનુભાઈ પટેલ હોન્ડા યુંનીકોર્ન મોટર સાયકલ (નંબર : GJ05-FC-9330)જાતે ચલાવીને વી.આઈ.પી. રોડ, ભગવાન મહાવીર કોલેજ ચાર રસ્તા પાસેથી પ્રસાર થતા હતા ત્યારે (રીક્ષા નંબર GJ05-ZZ-1074) ના ચાલકે તેની રીક્ષા બેફીકરઈથી, બેદરકારીથી, ગફલતભરી રીતે, પુર ઝડપે, રોંગ સાઈડમાં માણસની જીન્દગી જોખમાય તે રીતે, ચલાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી હિતેન્દ્રભાઈ મનુભાઈ પટેલને અડફેટમાં લેતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓની મેમોરી લોસ અને શરીરના જમણી સાઈડે પેરાલીસીસ થઇ ગયેલ. જે ઈજા પામનારના નાના ભાઈ મનોજભાઈ મનુભાઈ પટેલે આ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ.
અકસ્માત બાદ ઈજાગ્રસ્ત હિતેન્દ્રભાઈની માનસિક સ્થિતિ અત્યંત નાજુક થઈ ગઈ હોવાથી તેઓ કાયદાકીય પ્રક્રિયા કરવા અસમર્થ બન્યા હતા. આથી તેમના પ્રતિનિધિ તરીકે તેમના પત્ની જ્યોતિબેન પટેલે વર્ષ ૨૦૧૭માં સુરત કોર્ટમાં વકીલ શ્રી સંદીપ એમ. કાછડીયા મારફતે રૂપિયા ૨,૫૦,૦૦,૦૦૦/- (બે કરોડ પચાસ લાખ) ના વળતરની માંગ કરતી અરજી દાખલ કરી હતી.
આ કેસની (મોટર અકસ્માત વળતર અરજી ટ્રાયલ દરમિયાન અરજદાર પક્ષના વિદ્વાન વકીલ શ્રી સંદીપ એમ. કાછડીયાએ રજૂ કરેલી ધારદાર દલીલો, તબીબી રિપોર્ટ્સ અને મજબૂત પુરાવાઓને સુરતના મે. પ્રિન્સીપાલ એન્ડ ડીસ્ટ્રીક્ટ જજ શ્રી આર.એ. ત્રિવેદી સાહેબે માન્ય રાખ્યા હતા. કોર્ટે ચુકાદો આપતા ‘શ્રી રામ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ’ તથા અન્ય પક્ષકારોને સંયુક્ત અને વિભક્ત રીતે ઈજાગ્રસ્ત પરિવારને વ્યાજ સાથે કુલ ₹૨,૬૧,૯૬,૦૬૩/- ચૂકવી આપવાનો આદેશ કર્યો છે. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને ભવિષ્યના આવા કેસો માટે આ ચુકાદો સીમાચિન્હરૂપ સાબિત થશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
