સુરત રેલવે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 ટીમ દ્વારા બાળકોની સુરક્ષા માટે સતત સંવેદનશીલ કામગીરી

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૧. જાહેર સ્થળોએ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, બાળકોના અધિકારોનું રક્ષણ કરવા અને જરૂરિયાતમંદ બાળકો સુધી સમયસર મદદ પહોંચાડવાના હેતુથી ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશન પરિસરમાં સતત કામગીરી કરવામાં આવી રહી છે.
રેલવે સ્ટેશન એક એવું સ્થળ છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે અને ઘણી વખત મુસાફરી દરમિયાન બાળકો પરિવારથી વિખૂટા પડી જવા, મુશ્કેલીમાં મુકાવા અથવા સંરક્ષણની જરૂરિયાત જેવી પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે.
આવી પરિસ્થિતિમાં બાળકોને સુરક્ષા અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 ટીમ દ્વારા સ્ટેશન પરિસરમાં નિયમિત મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે છે.
ટીમ દ્વારા મુસાફરો, વાલીઓ અને સ્ટેશન પરિસરમાં હાજર લોકોને ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અંગે માહિતી આપવામાં આવે છે કે કોઈ બાળક ગુમ થયેલું, પરિવારથી અલગ પડેલું, નિરાધાર, મુશ્કેલીમાં મુકાયેલું અથવા ભિક્ષાવૃત્તિ કરતું જોવા મળે તો તાત્કાલિક 1098 પર સંપર્ક કરી શકાય છે.
ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 એ 0 થી 18 વર્ષ સુધીના બાળકો માટે 24×7 કાર્યરત ટોલ ફ્રી સેવા છે, જે મુશ્કેલીમાં મુકાયેલા બાળકોને તાત્કાલિક સહાય, સુરક્ષા, કાઉન્સેલિંગ અને જરૂરી સેવાઓ સાથે જોડાણ પૂરું પાડે છે.
રેલવે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા બાળકો સંબંધિત વિવિધ ગંભીર મુદ્દાઓ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવે છે. જેમાં બાળ મજૂરી, બાળ ભિક્ષાવૃત્તિ, બાળ લગ્ન, બાળકો સાથે થતો શારીરિક કે માનસિક દુર્વ્યવહાર, ત્યજી દેવાયેલા બાળકોની સુરક્ષા તેમજ બાળકોના અધિકારો અંગે લોકોને માહિતગાર કરવામાં આવે છે.
મુસાફરી દરમિયાન વાલીઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે બાળકોનું ધ્યાન રાખવું, અજાણ્યા વ્યક્તિઓથી સાવચેત રહેવું અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, રેલવે સુરક્ષા દળ (RPF/GRP) અથવા ઇમરજન્સી નંબર 112 નો સંપર્ક કરી મદદ મેળવવી.
આ ઉપરાંત બાળકોના કલ્યાણ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ બાળ સંરક્ષણ સેવાઓ અને યોજનાઓ અંગે પણ જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી દરેક બાળકને સુરક્ષિત વાતાવરણ, સંભાળ અને યોગ્ય સહાય મળી રહે.
ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ સતત જાગૃતિ અને સુરક્ષા કામગીરી હાથ ધરી બાળકોના હિતોનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે.
સુરક્ષિત બાળપણ – ઉજ્જવળ ભવિષ્ય” ના સંદેશ સાથે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 બાળકોના અધિકારો અને સુરક્ષા માટે સતત કાર્યરત છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
