નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલની હાજરીમાં શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે ૩૪૨ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ

0
નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલની હાજરીમાં શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે ૩૪૨ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ
Contact News Publisher

તાપીમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની સફળ પૂર્ણાહુતિ

દીકરા-દીકરીઓ જેટલું વધુ ભણશે, તેટલી જ રાષ્ટ્રની પ્રગતિ સુનિશ્ચિત થશે

 

શિક્ષણ એ દેશની સાચી તાકાત અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાનો મુખ્ય પાયો છે

 

વિદ્યાર્થીઓમાં લેખન-વાંચન સાથે સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીની ભાવના વિકસવી અત્યંત જરૂરી છે

— 

મંત્રીશ્રીએ ડોલારા પ્રાથમિક શાળા ખાતે ‘સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન વાહન’ને લીલી ઝંડી આપી

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 25. :- રાજ્યકક્ષાના નાણામંત્રીશ્રી કમલેશભાઈ પટેલની તાપી જિલ્લાની ત્રિ-દિવસીય મુલાકાતના ત્રીજા અને અંતિમ દિવસે, તેમના હસ્તે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ ૨૦૨૬-૨૭’ હેઠળ વ્યારા તાલુકાની ડોલારા પ્રાથમિક શાળા, શ્રી પ્ર. અને ભા. વિદ્યાલય કપુરા તથા શ્રીમતી કે.કે. કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે વિદ્યાર્થીઓને ઉમળકાભેર પ્રવેશ અપાવી આ ભવ્ય શૈક્ષણિક ઉત્સવનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું.

 

મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ ત્રણેય શાળાઓમાં મળીને આંગણવાડીમાં ૪, બાલવાટિકામાં ૧૬, ધોરણ-૯માં ૨૩૬ અને ધોરણ-૧૧માં કુલ ૮૬ વિદ્યાર્થીઓ સાથે સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રશંસનીય નામાંકન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે નાણામંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, જનકલ્યાણના મૂળમાં શિક્ષણ રહેલું છે. ગામના દીકરા-દીકરીઓ જેટલું વધુ ભણશે, તેટલી જ ગામ, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રની પ્રગતિ સુનિશ્ચિત થશે. વિદ્યાર્થીઓમાં લેખન, વાંચન અને ગણન સહિત સ્વચ્છતા તેમજ પર્યાવરણ જાળવણીની ભાવના વિકસે તે અત્યંત જરૂરી છે. શિક્ષણ અનિવાર્ય છે, પરંતુ સંસ્કાર વગરનું શિક્ષણ નકામું છે. શિક્ષણ એ દેશની સાચી તાકાત છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાનો તે સૌથી મહત્વનો પાયો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે પણ શિક્ષણ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.

 

શિક્ષણ સાથે સંસ્કારના અને જીવંતતાના મહત્વને સમજાવતા તેમણે મહાપુરુષોના પ્રેરણાદાયી વિચારો ટાંક્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે પણ સચોટ કહ્યું હતું કે ‘સંસ્કાર વગરનું શિક્ષણ નકામું છે’. આ સાથે જ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સૂત્રને યાદ કરતા તેમણે જણાવ્યું કે, ‘શિક્ષણ એ સિંહણનું દૂધ છે, અને જે એને પીશે તે ચોક્કસ દહાડશે’. તેથી જ, આજના વિદ્યાર્થીઓ શિક્ષણ અને સંસ્કાર બંને મેળવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તે આજના સમયની માંગ છે.

 

નોંધનીય છે કે, મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે ડોલારા પ્રાથમિક શાળા ખાતે શાળાથી દૂર રહેતા વિદ્યાર્થીઓની સુવિધા માટે ‘સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન વાહન’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

 

ત્રણેય શાળાઓની મુલાકાત દરમિયાન મંત્રીશ્રી બાળકોના પ્રભાવશાળી વક્તવ્ય અને અદભુત આત્મવિશ્વાસ જોઈને અત્યંત પ્રભાવિત તથા આનંદિત થયા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે સી.ઈ.ટી. (CET), એન.એમ.એમ.એસ. (NMMS) સહિત પ્રત્યેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ સાથે જ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ગણવેશ, પાઠ્યપુસ્તકો અને સ્કૂલ બેગ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓનું બહુમાન કર્યું હતું. વધુમાં તેમણે સ્વચ્છતા, વૃક્ષારોપણ, પર્યાવરણ જાળવણી અને ટ્રાફિક અવેરનેસ અંગે પણ સમજણ પુરી પાડીને સૌને સામુહિક શપથ લેવડાવ્યા હતા.

 

આ તકે શાળાઓના પ્રમુખશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, સરપંચશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *