સોનગઢ ખાતે પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણેએ ૩૬૭ બાળકોનો ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો

શાળા પ્રવેશોત્સવ નવી પેઢીના ભવિષ્યને કંડારતું વિરાટ ‘જનઆંદોલન’ – પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણે
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૪ :- ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ના શૈક્ષણિક મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી થતા તાપી જિલ્લાના પ્રભારી અને શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી મિલિંદ તોરવણેએ સોનગઢ ખાતે આયોજિત શૈક્ષણિક મહોત્સવમાં સહભાગી થઈને કુલ 367 બાળકો, વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.
તાપી જિલ્લા પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણેએ જણાવ્યુ કે, રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રને સર્વોચ્ચ અગ્રિમતા આપીને સમાજના અંતિમ છેવાડાના બાળક સુધી શિક્ષણનો લાભ પહોંચાડવા સતત કાર્યરત છે. શાળા પ્રવેશોત્સવ એ નવી પેઢીના ભવિષ્યને કંડારતું એક વિરાટ ‘જનઆંદોલન’ બની ચૂક્યું છે. વધુમાં તેમણે શૈક્ષણિક પરિવર્તન માટે નવી શિક્ષણ નીતિ (NEP) ના અસરકારક અમલીકરણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષકોને કટિબદ્ધ રહેવા અનુરોધ કર્યો હતો.
મહાનુભાવોના હસ્તે નવપ્રવેશી ભૂલકાંઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમજ મોં મીઠું કરાવી ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સચિવશ્રીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ સાધી શાળાની સુવિધાઓ, શિક્ષણની ગુણવત્તા અને પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. તેમણે બાળકોને નિયમિતતા, શિસ્ત અને જીવનમૂલ્યોના સંવર્ધન માટે પ્રેરિત કર્યા હતા.
આ તકે વૃક્ષારોપણ અને ટ્રાફિક નિયમન હેઠળ સામુહિક શપથ દ્વારા પર્યાવરણના જતન અને ટ્રાફિક નિયમોના પાલન અંગે પણ જાગૃત કરાયા હતા. વધુમાં એસએમસી, શાળા સંચાલક મંડળ સાથે બેઠક યોજીને સંબંધિતોને મહત્વના સૂચનો કરી પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા-તાલુકાના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણ વિભાગનો સ્ટાફ, આંગણવાડી કાર્યકરો, આચાર્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
