ખેડૂતો અને નાગરિકોના કલ્યાણ માટે સરકાર કટિબદ્ધ : પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન અને પીએમ કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી
—
માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ: મંત્રી શ્રી જયરામભાઈ ગામીત
—
પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તાપીના ૯૨,૦૧૩ ખેડૂતોના ખાતામાં રૂ. ૧૮.૪૦ કરોડ જમા
—
મહાનુભાવોએ કૃષિ સ્ટોલ્સની મુલાકાત લઈને કહ્યું, ખેતીવાડી-‘આત્મા’ ટીમની કામગીરી પ્રશંસનીય
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૨૦. :- ‘૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના’ થીમ હેઠળ ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત તાપી જિલ્લામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન, વ્યારા હોલ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન’ તથા ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’નો સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા રાજ્યના આદિજાતિ વિકાસ તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, મધ્યમવર્ગ, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોની આત્મનિર્ભરતા તથા સમૃદ્ધિ માટે હંમેશા ચિંતા કરી છે.
કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેક કૃષિલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આજે DBT દ્વારા વર્ષમાં કુલ રૂ. ૬ હજારની સહાય મળવાથી ખેડૂતોની ખેતીલક્ષી જરૂરિયાતો સંતોષાઈ રહી છે. આ સાથે તેમણે તાપી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સામૂહિક ઝુંબેશમાં જોડાવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, આજે વ્યસનમુક્ત લોકો પણ ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે, જેનું મુખ્ય કારણ ખેતીમાં રાસાયણિક ખાતરોનો અતિરેક છે. આજે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે.
વધુમાં, મંત્રીશ્રીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને ધરતીમાતાને ઝેરમુક્ત કરવા અને પ્રાકૃતિક ખેતીને અપનાવી જમીનની સાથે પર્યાવરણ જાળવણી અને માનવ સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા હાકલ કરી હતી.
નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને પશ્ચિમ બંગાળમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતેથી યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં, તાપી જિલ્લાના ખેડૂતો અને નાગરિકોએ જીવંત પ્રસારણ નિહાળીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત, ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે, તાપી જિલ્લાના કુલ ૯૨,૦૧૩ ખેડૂત કુટુંબોના બેંક ખાતામાં DBT દ્વારા ૨૩મા હપ્તા પેટે કુલ રૂ. ૧૮.૪૦ કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાઈ હતી.
આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સી. ડી. પંડ્યા સહિતના વિષય નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતી અને કૃષિલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતીને સંપૂર્ણપણે અપનાવીને સફળતા મેળવનાર ખેડૂતોએ પણ પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા.
કાર્યક્રમના અંતે મહાનુભાવોએ કૃષિ વિભાગ, પ્રાકૃતિક ખેતી, મિલેટ્સ તેમજ સખીમંડળો દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીઓએ ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટની કામગીરીની પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડ, વ્યારા પ્રાંત અધિકારીશ્રી સંદીપભાઈ ગાયકવાડ, જિલ્લા ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી અલ્કેશભાઈ પટેલ, નાયબ બાગાયત નિયામકશ્રી ધિરેન્દ્રભાઈ રાઠોડ સહિત અગ્રણી, સંબંધિત વિભાગના કર્મચારીઓ, આમંત્રિતો, ખેડૂતો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
