ભારતની પ્રાચીન ધરોહર યોગ આજે સમગ્ર વિશ્વને જોડવાનું માધ્યમ બન્યું છે

આધુનિક જીવનની દોડધામ વચ્ચે યોગ એ મનની શાંતિનો અમૂલ્ય માર્ગ છે
—
વૈશ્વિક અભિયાનમાં તાપી જિલ્લો સાથે જોડાઈને સ્વસ્થ, શાંત અને સકારાત્મક સમાજના નિર્માણ તરફ આગળ વધી રહ્યો છે
—
(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) : તા.૨૦. – માનવજીવન એ પ્રકૃતિની સૌથી સુંદર ભેટ છે. પરંતુ આજના ઝડપી અને આધુનિક યુગમાં માણસ અનેક પ્રકારની દોડધામ વચ્ચે આંતરિક શાંતિથી દૂર થતો જઈ રહ્યો છે. વધતી જતી અપેક્ષાઓ, જવાબદારીઓ અને સતત બદલાતી જીવનશૈલી વચ્ચે મનને એક ક્ષણનો વિરામ પણ મળવો મુશ્કેલ બન્યો છે.
દિવસભરની વ્યસ્તતા, કાર્યસ્થળની જવાબદારીઓ, મોબાઈલ-કમ્પ્યુટર જેવી ડિજિટલ દુનિયાની સતત હાજરી, રસ્તાની ભીડ, વાહનોનો ઘોંઘાટ અને મગજમાં ચાલતી ચિંતાઓ ઘરે પહોંચતા સુધીમાં ભીતરના તમામ ઉત્સાહને નીચોવી લે છે. ઉંબરો ઓળંગતી વખતે ચહેરો ફ્રેશ રાખવાના લાખ પ્રયત્નો છતાં અંદરનો થાક આંખોમાં વર્તાઈ આવે છે. સવારથી સાંજ સુધીના અવિરત કાર્યચક્ર બાદ જ્યારે વ્યક્તિ ઘરે પરત ફરે છે ત્યારે શારીરિક થાક સાથે માનસિક ભાર પણ તેની સાથે ચાલતો આવે છે.
સ્વાભાવિક છે કે આ માત્ર ઘરના પ્રમુખ, કર્તાધરતા વ્યક્તિની જ વાત નથી, આ વાત ઘરના મહિલા, યુવાનો સહિત તમામ માટે છે. ટૂંકમાં મન શાંત હોય તો જ જીવનમાં ખુશીઓનો વાસ આવે છે. અને તેના માટે યોગ મહત્વપૂર્ણ છે. આવા સમયમાં યોગ જીવનમાં નવી ઊર્જા, સકારાત્મકતા અને સંતુલન લાવવાનું કાર્ય કરે છે. યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને એકરૂપ બનાવતી જીવનપદ્ધતિ છે. યોગ દ્વારા વ્યક્તિ પોતાના અંતરમન સાથે જોડાઈ શકે છે અને શાંતિ, એકાગ્રતા તથા આત્મવિશ્વાસનો અનુભવ કરી શકે છે.
ભારતની પ્રાચીન ઋષિપરંપરાએ વિશ્વને યોગ જેવી અમૂલ્ય જીવનશૈલીની ભેટ આપી છે. મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગના સિદ્ધાંતો આજે પણ માનવજીવન માટે એટલા જ ઉપયોગી અને પ્રાસંગિક છે. નિયમિત યોગાભ્યાસ શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વસ્થતા માટે પણ અસરકારક સાબિત થાય છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતીય સંસ્કૃતિની આ અમૂલ્ય ધરોહર આજે વિશ્વભરમાં સ્વીકાર્ય બની છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા મળ્યા બાદ સમગ્ર વિશ્વ યોગના સંદેશ સાથે જોડાયું છે. સમગ્ર વિશ્વ ૨૧મી જૂનના રોજ જ્યારે યોગના રંગે રંગાય છે, ત્યારે વસુધૈવ કુટુંબકમની ભાવના સાચા અર્થમાં ચરિતાર્થ થતી જણાય છે. આ વૈશ્વિક અભિયાનમાં તાપી જિલ્લો સાથે જોડાઈને સ્વસ્થ, શાંત અને સકારાત્મક સમાજના નિર્માણ તરફ આગળ વધી રહ્યો છે
આ દિવસ માત્ર યોગાભ્યાસનો અવસર નથી, પરંતુ “વસુધૈવ કુટુંબકમ્”ની ભારતીય વિચારધારાને વિશ્વ સુધી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. યોગ આપણને શીખવે છે કે સાચી શાંતિ બહારની પરિસ્થિતિઓમાં નહીં, પરંતુ પોતાના અંતરમાં રહેલી છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
