કુસુમ જયેશ ભુલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભુલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલ (ગુજરાતી માધ્યમ) ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ નાનાં બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ કેળવવાનો તેમજ બાળપણથી જ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપવાનો હતો.
આ પ્રસંગે શાળાના શિક્ષકગણ દ્વારા બાળકોને સરળ અને રસપ્રદ ભાષામાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. યોગ માત્ર શારીરિક કસરત જ નહીં, પરંતુ માનસિક શાંતિ, એકાગ્રતા, આત્મવિશ્વાસ અને તંદુરસ્ત જીવન માટે પણ ખૂબ જ જરૂરી છે તે અંગે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન બાળકોને તેમની ઉંમરને અનુરૂપ વિવિધ સરળ યોગાસનો કરાવવામાં આવ્યા હતા. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો ઉત્સાહપૂર્વક યોગાસનો અને પ્રાણાયામમાં જોડાયા હતા. સાથે સાથે બાળકોને ધ્યાન (મેડિટેશન) કરાવી મનને શાંત રાખવાના અને રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવાના ફાયદાઓ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું.
શાળાના વાતાવરણમાં યોગમય માહોલ સર્જાયો હતો અને બાળકો આનંદ સાથે યોગ પ્રવૃત્તિમાં સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં શારીરિક તંદુરસ્તી, માનસિક સંતુલન, શિસ્ત અને સકારાત્મક વિચારસરણીનો વિકાસ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શાળા પરિવાર દ્વારા જણાવાયું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ અને ધ્યાન અત્યંત મહત્વપૂર્ણ છે. જો બાળપણથી જ યોગને જીવનનો ભાગ બનાવવામાં આવે તો બાળકો સ્વસ્થ, નિરોગી અને સંસ્કારી નાગરિક તરીકે વિકસી શકે છે.
કાર્યક્રમના અંતે તમામ બાળકોને નિયમિત યોગ અને ધ્યાન કરવાની પ્રેરણા આપવામાં આવી હતી તથા “કરો યોગ, રહો નિરોગ”ના સંદેશ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
