ખેડૂતહિતલક્ષી નિર્ણય : ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજના હેઠળ મળતી સહાયમાં વૃદ્ધિ
પ્રતિ રનિંગ મીટરનો દર રૂ. ૨૦૦થી વધારીને રૂ. ૩૦૦ કરાયો
હવેથી બે હેક્ટરના ક્લસ્ટરને બદલે માત્ર એક હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો પણ યોજનાનો લાભ મેળવી શકશે
આઈ-ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં મળેલી ૧ લાખ અરજીઓને ચોમાસા પૂર્વે મંજૂરી અપાશે
યોજના માટે રૂ. ૨૪૦ કરોડ મંજૂર : જરૂર પડે વધારાના ભંડોળની વ્યવસ્થા કરી ખેડૂતોની અરજીઓ સ્વીકારાશે.
************
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે ‘કાંટાળી તારની વાડની યોજના’ એટલે કે, તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, અગાઉ તાર ફેન્સિંગ માટે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર રૂ. ૨૦૦ અથવા ખર્ચના ૫૦%, બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી. હાલમાં માલ-મટીરીયલ્સના બજાર ભાવ અને મજૂરી ખર્ચ વધવાના કારણે સરેરાશ ખર્ચ વધુ થતો હોવાથી, ખેડૂતોનો આર્થિક બોજ ઘટાડવા માટે સરકારે હવે પ્રતિ રનિંગ મીટર રૂ. ૩૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% મુજબ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછી બે હેક્ટર જમીનનું ક્લસ્ટર હોવું ફરજિયાત હતું, પણ ઘણીવાર જૂથના કોઈ ખેડૂત અસહમત થાય ત્યારે ૨ હેક્ટરનું ક્લસ્ટર ન જળવાતા નાના ખેડૂતો સહાયથી વંચિત રહી જતા. આવા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને આ મર્યાદા ઘટાડીને હવે માત્ર એક હેક્ટર કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આઈ-ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં આ યોજના હેઠળ સહાય મેળવવા માટે અંદાજે એક લાખ ખેડૂતોની અરજીઓ પ્રાપ્ત થઈ છે. ખેડૂતો જ્યારે ખેતીકામમાં વ્યસ્ત થાય તે પહેલા એટલે કે, ચોમાસા પૂર્વે જ આ તમામ અરજીઓને તબક્કાવાર નિયમાનુસાર મંજૂરી આપી દેવામાં આવશે. આ હેતુ માટે રાજ્ય સરકારે રૂ. ૨૪૦ કરોડની ફાળવણી કરી છે.
અગાઉ આ યોજના હેઠળ સહાય મેળવવા માટેની અરજી કરવા પોર્ટલ વર્ષમાં એક જ વાર ખુલ્લું મૂકવામાં આવતું હતું. પરંતુ, ચાલુ વર્ષે મહત્તમ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તે માટે જરૂર પડે બીજી વાર પણ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ખાતરી આપી છે. તેમણે કહ્યું કે જરૂર પડશે તો રૂ. ૨૪૦ કરોડ ઉપરાંત પણ વધારાના ભંડોળની વ્યવસ્થા કરીને ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે અને રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવામાં આવશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
