તાપી જીલ્લાની યશકલગીમાં શિક્ષણ અને સર્વાંગી વિકાસના અનેક મોરપીંછ ઉમેરનાર, કલેક્ટર ડો. વિપીન ગર્ગને ભાવભીની વિદાય 

0
IMG-20260514-WA0049
Contact News Publisher

વહીવટી તંત્ર તરફથી મળેલા અપ્રતિમ સહયોગ બદલ ડો. ગર્ગે આભારની લાગણી વ્યક્ત કરી

ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નવી જવાબદારી સંભાળશે ડો. વિપીન ગર્ગ

કલેક્ટર ડો. ગર્ગનો વહીવટી કુશળતા સાથે શિક્ષણ, પર્યાવરણ, રમતગમત અને સાયકલિંગ પર વિશેષ ભાર

નવી જવાબદારી બદલ આઈએએસ શ્રી ઓમકાર શિંદે અને શ્રી જયતસિંહ રાઠોરને કલેક્ટરશ્રી તથા વહીવટી તંત્રની શુભેચ્છાઓ

તાપી જિલ્લાના કલેક્ટર તરીકે ત્રણ વર્ષ સુધી સમર્પિત અને લોકકેન્દ્રિત સેવાઓ આપનાર ડો. વિપીન ગર્ગ (IAS) ની ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી થતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમને ગૌરવપૂર્ણ અને ભાવસભર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટર કચેરીના સભાખંડમાં લાગણીસભર અને ગૌરવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.

 

જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ડો. વિપીન ગર્ગના કાર્યકાળને તાપી જિલ્લા માટે યાદગાર ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી કુશળતા, પ્રજાકલ્યાણની ભાવના તેમજ શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, રમતગમત અને સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી ડો. ગર્ગે તાપી જિલ્લાની યશકલગીમાં અનેકવિધ સિદ્ધિના મોરપીંછ ઉમેર્યા છે.

 

તેમના કુશળ નેતૃત્વ, સંવેદનશીલ અભિગમ અને સતત માર્ગદર્શનના પરિણામે જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોએ રાજ્ય તથા જિલ્લાકક્ષાએ અનેક અપ્રતિમ સિદ્ધિઓ હાંસલ કરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

 

વિદાય સમારોહ દરમિયાન ડો. વિપીન ગર્ગના કાર્યકાળની સૌથી નોંધપાત્ર અને યાદગાર સિદ્ધિ તરીકે ‘પ્રોજેક્ટ સક્ષમ’ની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધી તેમણે ગણિત વિષયમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે તાપી જિલ્લાના વ્યારા તાલુકાની 15 પ્રાથમિક શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો.

 

રાષ્ટ્રીય સર્વેક્ષણ વર્ષ ૨૦૨૪ ના પ્રાપ્ત થયેલા પરિણામોને પડકારરૂપ માની ડો. ગર્ગે આ દિશામાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ‘પ્રોજેક્ટ સક્ષમ’ અમલમાં મુક્યો હતો. તેમના માર્ગદર્શન અને સતત મોનીટરીંગના પરિણામે વિદ્યાર્થીઓના ગણિત વિષયના પરિણામોમાં ગુણાત્મક સુધારો નોંધાયો હતો.

 

વહીવટી કામગીરી ઉપરાંત ડો. વિપીન ગર્ગે પર્યાવરણ સંરક્ષણ અને રમતગમત ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ‘મિશન લાઈફ’ અભિયાન અંતર્ગત તેમણે જિલ્લામાં વ્યાપક જનજાગૃતિ ફેલાવી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે અને ટકાઉ જીવનશૈલી અપનાવવામાં આવે તે માટે સતત પ્રેરણા પૂરું પાડી છે. રમતગમત ક્ષેત્રે પણ યુવાનોને પ્રોત્સાહન આપી જિલ્લામાં નવી ઊર્જાનો સંચાર કરતા રહ્યા છે.

 

પોતાના સન્માનના પ્રતિભાવમાં ભાવુક સ્વરે ડો. વિપીન ગર્ગે જણાવ્યું કે, ટીમ તાપીના સહયોગ વગર આ સફળતાઓ શક્ય નહોતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં પણ તાપી જિલ્લો શિક્ષણ, રમતગમત, સ્વાસ્થ્ય સહિત તમામ ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ સર કરતો રહેશે. સાથે જ તેમણે પોતાના સમગ્ર સેવાકાળ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર અને ટીમ તાપી તરફથી મળેલા અદ્વિતીય સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

 

કલેક્ટર ડો. વિપીન ગર્ગની સાથે નિઝર પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી ઓમકાર શિંદે (IAS) ની છોટાઉદેપુર ખાતે પ્રાયોજના વહીવટદાર તરીકે બઢતી થતાં તેમજ પ્રાયોજના વહીવટદારશ્રી જયતસિંહ રાઠોરની જુનાગઢ ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક થતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બંને અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

 

આ તકે કલેક્ટર ડો. ગર્ગ સહિત ઉચ્ચ અધિકારીઓએ બંને અધિકારીઓની કાર્યનિષ્ઠા, વહીવટી કુશળતા અને સેવાભાવની પ્રશંસા કરી તેમના નવા પદ પર ઉજ્જવળ અને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી.

 

વિદાય સમારોહ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન.દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓએ ડો. વિપીન ગર્ગ, નિઝર પ્રાંત અધિકારી શ્રી ઓમકાર શિંદે (IAS) અને પ્રાયોજના વહીવટદારશ્રી જયતસિંહ રાઠોરને શાલ ઓઢાવી, પુષ્પગુચ્છ અને શ્રીફળ અર્પણ કરી સ્મૃતિચિન્હ ભેટ આપી તેમના નવા પદભાર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *