જેઠાણી સાથેના પારિવારિક વિવાદમાં તાપી 181 અભયમ ટીમે કરાવ્યું સફળ સમાધાન
181
ડોલવણ તાલુકામાં ઘરેલુ મતભેદના મામલે 181 અભયમ ટીમે તાત્કાલિક પહોંચી બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરી લેખિત બાંહેધરી સાથે સમાધાન કરાવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રહેતી એક પરણિતાએ પોતાની જેઠાણી દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવતી હોવાને કારણે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. માહિતી મળતાં જ તાપી 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પીડિત બહેન સાથે વાતચીત કરી કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું.
કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે પીડિતાએ બે વર્ષ પહેલાં સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા અને હાલમાં તેમને એક સંતાન છે. પીડિતા પોતાના પતિ સાથે ઘરમાં અલગ રહે છે, જ્યારે જેઠ અને જેઠાણી પણ એ જ મકાનમાં અલગ રહે છે. ઘટનાના દિવસે પીડિતાએ ઘરની પાછળના વાડામાં સુકો કચરો ભેગો કરીને સળગાવ્યો હતો. આ બાબતે જેઠાણીએ કેરીના રોપેલા ઝાડને નુકસાન થવાની શક્યતા દર્શાવી અપશબ્દો બોલી ગાળાગાળી કરી, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો.
વધુમાં જાણવા મળ્યું કે નાની નાની બાબતોને લઈને બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વારંવાર મતભેદ અને ઝઘડા થતા હતા. આ પરિસ્થિતિમાં પરણિતાએ જેઠાણીને સમજાવવા અને પરિવારિક વાતાવરણ સુધારવા માટે 181 અભયમ ટીમની મદદ લીધી હતી.
તાપી 181 અભયમ ટીમ દ્વારા બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરી સમજાવટ આપતાં સામા પક્ષે પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો ઝઘડો ન કરવાની તેમજ એકબીજા સાથે સારા રીતે રહેવાની લેખિત બાંહેધરી આપી હતી. પીડિત બહેને પણ સામા પક્ષને એક મોકો આપવા ઇચ્છા વ્યક્ત કરતાં બંને પક્ષોની મરજીથી સ્થળ પર જ સમાધાન કરાવવામાં આવ્યું હતું.
સમયસર મદદ અને સફળ સમાધાન માટે પીડિત બહેને 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
