ભારત–મોરોક્કો સંસદીય મિત્રતા સમૂહમાં સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની નિમણૂક

Contact News Publisher

૨૩-બારડોલી લોકસભા ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ; દ્વિપક્ષીય સંબંધોને મળશે નવી ગતિ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.25. ૨૩-બારડોલી લોકસભા ક્ષેત્રના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાને ભારત સરકાર દ્વારા ભારત–મોરોક્કો સંસદીય મિત્રતા સમૂહના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ નિમણૂક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તથા લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા દ્વારા કરવામાં આવી છે.

ભારત–મોરોક્કો સંસદીય મિત્રતા સમૂહનો મુખ્ય હેતુ ભારત અને મોરોક્કો દેશો વચ્ચેના સાંસદીય, સાંસ્કૃતિક, આર્થિક તેમજ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવાનો છે. આ સમૂહ બંને દેશોના સાંસદો વચ્ચે વિચારોના આદાન-પ્રદાન, પરસ્પર સમજ અને સહકારને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ મંચ છે.

સાંસદશ્રીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું છે કે ભારત અને મોરોક્કો વચ્ચે ઐતિહાસિક, મિત્રતાપૂર્ણ અને વિશ્વાસપૂર્ણ સંબંધો રહ્યા છે. તેઓ સોંપવામાં આવેલી આ જવાબદારીનું નિષ્ઠાપૂર્વક અને સક્રિયતાપૂર્વક નિર્વહન કરશે તેમજ બંને દેશો વચ્ચે સહકારને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહેશે.

આ નિમણૂક ૨૩-બારડોલી લોકસભા ક્ષેત્રના નાગરિકો માટે ગૌરવ અને આનંદની બાબત છે. આથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત દેશની સાથે-સાથે બારડોલી લોકસભા ક્ષેત્ર તેમજ સુરત અને તાપી જિલ્લાની પ્રતિષ્ઠા અને પ્રતિનિધિત્વને વધુ મજબૂતી મળશે.

આ અવસરે સાંસદ શ્રી પ્રભુભાઈ એન. વસાવાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા પ્રત્યે આભાર વ્યક્ત કરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ મંચ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *