ઘરેથી નીકળેલી દીકરીને 181 અભયમ ટીમની સમયસર મદદ અને કાઉન્સેલિંગથી પરિવાર સાથે સફળ પુનઃમિલન કરાવવામાં આવ્યું
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : સુરત શહેરના ઉમરા વિસ્તારમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક દીકરીએ મદદ માંગતા જણાવ્યું કે તે ઘરેથી નીકળી આવી છે અને શું કરવું તેની તેને સમજ પડતી નથી, જેથી તેને તાત્કાલિક મદદની જરૂર છે.
ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે દીકરી પર પરિવાર તરફથી લગ્ન માટે દબાણ કરવામાં આવતું હતું. દીકરીની ઉંમર 18 વર્ષ છે અને હાલ તે વધુ અભ્યાસ કરવા ઇચ્છે છે. પરિવાર સાથે મનદુઃખ થતા અને ગુસ્સામાં આવી દીકરી કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી આવી હતી. વધુમાં જાણવા મળ્યું કે પિતાના અવસાન બાદ તે માતા અને બે બહેનો સાથે રહે છે. અગાઉ ગામમાં અભ્યાસ દરમિયાન એક છોકરા સાથે સંબંધ અંગે જાણ થતાં પરિવારે તેનો અભ્યાસ બંધ કરાવ્યો હતો અને સુરત લાવવામાં આવી હતી. ત્યારબાદ ફરી લગ્નની વાત શરૂ થતા દીકરીએ આ પગલું ભર્યું.
દીકરી શરૂઆતમાં પરિવારની માહિતી આપતા હચકાતી હતી, પરંતુ ટીમ દ્વારા શાંતિપૂર્વક સમજાવટ અને કાયદાકીય માર્ગદર્શન આપતા તેણે માતાનું સરનામું આપ્યું. ત્યારબાદ ટીમ દ્વારા માતાને સંપર્ક કરી સ્થળ પર બોલાવવામાં આવી.
માતાએ પોતાની પરિસ્થિતિ સમજાવતા જણાવ્યું કે તે વિધવા છે અને ત્રણ દીકરીઓનું પાલનપોષણ એકલી કરે છે. દીકરીઓનું ભવિષ્ય સારું રહે તે માટે મહેનત કરી રહી છે. ટીમ દ્વારા માતાને દીકરી પર લગ્ન માટે દબાણ ન કરવા સમજાવવામાં આવ્યું અને દીકરીને પણ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાઉન્સેલિંગ બાદ દીકરીએ પોતાની ભૂલ સ્વીકારી માતા પાસે માફી માગી અને ભવિષ્યમાં અભ્યાસ પર ધ્યાન આપવાની ખાતરી આપી. માતા-દીકરી વચ્ચે સમજૂતી થતાં બંનેનું પુનઃમિલન કરાવવામાં આવ્યું.
આ રીતે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ કરીને દીકરીને પરિવાર સાથે સુરક્ષિત રીતે પુનઃમિલન કરાવવામાં આવ્યું. અંતે માતાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
