ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ભાવપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારતનાં ઈતિહાસમાં અદ્વિતીય સાહસ અને બલિદાનની ગાથા ગાતો વીર બાળ દિવસ ઓલપાડ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ભાવપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. ઉજવણીનાં ભાગરૂપે શાળાઓમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને સાહિબજાદા અજિતસિંહ, જુઝારસિંહ, જોરાવરસિંહ અને ફતેહસિંહનાં શૌર્ય, ધર્મનિષ્ઠા અને બલિદાન વિશે પ્રેરણાદાયી માહિતી આપી હતી.
આ શૌર્યસભર દિવસે બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે એક સંદેશમાં જણાવ્યું હતું કે સાહિબજાદાઓએ પોતાનાં ધર્મ અને સત્યની રક્ષા માટે, અન્યાય અને અત્યાચાર સામે અડગ રહીને પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. તેમનું બલિદાન આપણને સત્ય, સાહસ, ધર્મનિષ્ઠા સાથે દેશપ્રેમનાં મૂલ્યો માટે અડગ રહેવાની પ્રેરણા આપે છે. તદ્ઉપરાંત શાળાનાં શિક્ષક ભાઈ-બહેનોએ પોતાનાં સંબોધનમાં વિદ્યાર્થીઓને સત્યનાં માર્ગે ચાલવા, શિસ્ત જાળવવા તથા દેશદાઝની ભાવના વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.
આ પ્રસંગે વિવિધ શાળાઓમાં કેટેગરી પ્રમાણે વિદ્યાર્થીઓ માટે વીર બાળ દિવસ વિષયક સંવાદ, કાવ્યલેખન, વકતૃત્વ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આમ, આપણને નાની ઉંમરમાં પણ મોટા આદર્શો અપનાવવાની પ્રેરણા આપતો વીર બાળ દિવસની ઉજવણીનો કાર્યક્રમ દરેક શાળાઓમાં ખૂબ જ શાંતિપૂર્ણ અને પ્રેરણાદાયી માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *