કેવિકે વ્યારા ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસ-૨૦૨૫ની ઉજવણી કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR),નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેંન્દ્ર ખાતે ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ “રાષ્ટ્રીય કિસાન દિવસ-૨૦૨૫” નો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૧૦૧ ખેડૂતો અને અધિકારીશ્રી/કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ડૉ. સી. ડી. પંડયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકે, ન. કૃ. યુ., વ્યારા (તાપી) દ્વારા ઉપસ્થિત મહેમાનોને આવકારી કાર્યક્રમનુ મહત્વ સમજવવામા આવ્યુ હતુ. વધુમાં તેમણે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણીનો હેતુ સમજાવ્યો હતો. વધુમાં તેમણે શ્રી ચૌધરી ચરણસિંહ, પૂર્વ પ્રધાનમંત્રીના ખેડૂતલક્ષી કાર્યોની ઝાંખી ખેડૂતો સમક્ષ રજૂ કરી કૃષિક્ષેત્રે તેમનું યોગદાન ઉજાગર કર્યું હતું. શ્રી સી. સી. ગરાસિયા, જિલ્લા ખેતી અધિકારી દ્વારા કૃષિલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) દ્વારા વિકસિત ભારત- “ ગેરેન્ટી ફોર રોજગાર અને આજીવિકા ગેરેન્ટી મિશન (ગ્રામીણ) બિલ, ૨૦૨૫ ની વિસ્તૃત જાણકારી આપી ખેડૂતોને નવા બદલાવ વિશે માર્ગદર્શિત કર્યા હતા. વધુમાં ડૉ. ઢોડિયા દ્વારા સ્વદેશી અભિયાન અંતર્ગત ખેડૂતોને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ કરવા માટે પ્રેરિત કરી સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ કરવા અંગેની સપથ લેવડાવવામાં આવી હતી. ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા શિયાળુ પાકોની વૈજ્ઞાનિક ખેતી તથા પ્રાકૃતિક ખેતીમાં રોગજીવાત વ્યવસ્થાપન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) દ્વારા ખેડૂત મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા થકી આવક મેળવવાની વિવિધ તકો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં તેમણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખેડૂતોને જાગૃત કરી સ્વચ્છતા અંગેની સપથ લેવડાવી હતી. ડૉ. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન) દ્વારા આદર્શ પશુપાલન વિશે ખેડૂતોને માર્ગદર્શિત કરી કૃષિ સંલગ્ન વ્યવસાયો અપનાવી વધુ આવક મેળવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ માન. કૃષિ મંત્રી, ભારત સરકાર શ્રી શિવરાજસિંહ ચૌહાણના વક્તવ્યનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કિસાન દિવસ-૨૦૨૫ નિમિત્તે તાપી જિલ્લાના ૧૦ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કેવીકેના વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
