ઘેર-ઘેર અધ્યાત્મનો ઉજાસ સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનાં ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઘેર-ઘેર સંસ્કાર આપો અર્થાત સંસ્કરણ, ઘેર-ઘેર ગાય પાળો, વ્યસનમુક્તિ, કોમી એકતા, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો, ઘેર-ઘેર અધ્યાત્મનો ઉજાસ સહિત ભાઈચારાનો સંદેશ આપતી તાલુકા મથક મોટામિયાં માંગરોલ મુકામે આવેલ કોમી એકતાનાં દર્શન કરાવતી વર્ષો જૂની મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી ખાનવાદા-એ-ચિશ્તીયા ફરીદીયા સાબિરીયા દરગાહ શરીફ (ચિશ્તીયા નગર) ખાતે પોષ સુદ એકમથી ૧૫ દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ મંગળવાર તા. ૨૦/૧૨/૨૦૨૫ થી થયેલ છે. ઉર્સનાં પ્રથમ દિવસે રહેઠાણ પાલેજથી મોટામિયાં માંગરોળની ગાદીનાં હાલનાં ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તેમનાં સુપુત્ર અને ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટામિયાં માંગરોળ આવી પહોંચતાં અંકલેશ્વર, વાલીયા તેમજ દરગાહનાં ઐતિહાસિક પ્રવેશદ્વાર પર વિવિધ કોમનાં આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતા ત્યાં હાજરી આપી કોમી એકતા અને ભાઇચારા માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. બપોરે લગભગ ૪:૦૦ કલાકે દરગાહ ખાતેથી સંદલનું જુલૂસ નીકળ્યું હતું, જે ગામમાં ફરી દરગાહ ખાતે પરત ફર્યુ હતું, ત્યારબાદ દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીનાં હસ્તે પવિત્ર સંદલ ચઢાવી વિધિનો આરંભ થયો હતો.
આ કાર્યક્રમમાં હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, આ ગાદીનાં અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી ઉપરાંત મોઇનુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી સહિત કુટુંબીજનો તેમજ વિદેશથી પધારેલ મેહમાનો પણ જોડાયા હતાં. તા.૨૧/૧૨/૨૦૨૫ નાં બુધવારે ચિરાગીનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ ૧૫ દિવસ સુધી ઉર્સ ચાલશે. ઉર્સમાં વિવિધ પ્રકારની ચકડોળ તથા ખાણી પીણીનાં સ્ટોલો પણ આવેલાં છે. ઉર્સ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય રહે એ માટે મોટામિયાં માંગરોલ પોલીસ દ્વારા પણ ખૂબ સારા સહકાર સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આ પ્રસંગે હાલનાં ગાદીપતિએ સૌને સૌહાર્દભર્યું વાતાવરણ જાળવી ઘેર-ઘેર અધ્યાત્મનાં ઉજાસથી સુસંસ્કાર કેળવાય એ દિશામાં પ્રયત્નશીલ રહી માનવતાનું જતન કરવું એ જીવનનું સાચું ધાર્મિક અને નૈતિક કર્તવ્ય છે એમ જણાવી તમામ શ્રધ્ધાળુઓ, સમગ્ર વહીવટીતંત્ર, પોલીસ વિભાગ સહિત સ્વયંસેવકો અને સમગ્ર ગ્રામજનોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
